પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૪૯
 

આવી પહોંચ્યા. ભગવાનદાસભાઈના મુખ ઉપર પૂરો કચવાટ દેખાયો. તેમણે કહ્યું : 'તમે ભલે આવ્યા ! પણ મને અત્યારે વખત નથી.'

'ભગવાનદાસભાઈ ! આપના કહેવા પ્રમાણે અમે આવ્યા છીએ. ત્રણ વાર તો અમે આવી પાછા ગયા...' પેલા વાચાળ અંધે કહ્યું.

'તે મારી ગરજે તો નથી આવ્યા ને?'

'નહિ નહિ, ભાઈસાહેબ ! અમે તો અમારી ગરજે આવ્યા છીએ. આપના વગર અમારો આરો – ઉદ્ધાર નથી, ભગવાનદાસભાઈ !' વાચાળ અંધે કહ્યું.

'આપ ફરી એક વખત આવો ને? અત્યારે તો, જુઓ, હું કપડાં પહેરવાની તૈયારી કરી રહ્યો છું.'

'બાપજી ! પાંચ મિનિટનું કામ છે. આપ પ્રમુખ થાઓ તો અમારો ફાળો...'

'અત્યારે કાંઈ જ નહિ. શ્વાસ લેવાનો પણ વખત નથી. તમે જાણો છો, મારે વિમાનગૃહ ઉપર પ્રધાન સાહેબને લેવા જવું છે તે? તમે ફરી આવજો...'

'અમે બેઠા છીએ. આપ પ્રધાન સાહેબને આવકાર આપીને આવો.' અંધે કહ્યું.

'નહિ નહિ, આજ વખત મળે એમ છે જ નહિ. પ્રધાનસાહેબ સાથે મારે જમવું પડશે; પછી એક મહત્ત્વની ગુપ્ત સભા છે જેમાંથી જાહેર સભામાં જઈ રાત્રે ખાણા ઉપર હાજરી આપવાની છે.' ભગવાનદાસભાઈએ પોતાનો ભરચક કાર્યક્રમ કહી સંભળાવ્યો.

નેતાઓને સ્વરાજય પહેલાં પણ ખાણાં લેવાની ટેવ ન હતી એમ કહેવાય નહિ. એ સમયે તકરાર માત્ર અમલદારોનાં ખાણાં માટે હતી, જે હજી પણ ચાલુ જ છે. નેતાઓ અને નેતાઓમાંથી વિકસેલા પ્રધાનોની ખાણાં-ઉપખાણાં લેવાની આઝાદી હજી અંકુશપાત્ર બની નથી.