પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮ : કાંચન અને ગેરુ
 

પડાવી સન્માનાર્થે અપાયેલા ચાંદીના ટ્રેકટરને સાથે લાવવા માટે ભગવાનદાસને સમયનો ભોગ આપવો જ પડ્યો.

વર્તમાન નેતૃત્વ એ કાંટાળો તાજ છે, ખીલાનું બિછાનું છે, શૂળીની સોબત છે, એવા એવા લેખ પણ હું લખતો ચાલ્યો જેમાં જેમાં મુખ્ય વાર્તાનાયક ભગવાનદાસ જ હોય. આવા ઘણા પ્રસંગો બનતા, અને એ પ્રસંગમાંથી હુ રસભરી કથનીઓ પણ ઉપજાવતો, જે ભગવાનદાસ વાંચતા અને હવે પછીના પ્રસંગે શું લખવું અને શું ન લખવું એની સૂચનાઓ પણ આપતા.

માત્ર એક જ પ્રસંગ એવો બન્યો કે જેને માટે મારે કેવી કથની લખવી તેની સમજ હજી મને પડતી નથી. કેટલાક લોકો ફરિયાદ લઈ માથું ખાવા એક પ્રસંગે ભગવાનદાસને ત્યાં આવ્યા.

'કૂવો કરવો છે અને સિમેન્ટ મળતી નથી.' ફરિયાદ રજૂ થઈ.

'આપણા બાપદાદા સિમેન્ટના કૂવા કરતા હતા?' ભગવાનદાસે બહુ જ સાચો જવાબ પ્રશ્નના રૂપમાં આપ્યો.

'ભગવાનદાસભાઈ, બાપદાદાને વખત જુદો હતો. ત્યારે ચૂનાની ચક્કીઓ ચાલતી, મજૂર સોંઘા મળતા, ભઠ્ઠીઓ કરનાર ઘેર આવી પૂછી જતા. આજ તો ન બળદ મળે; ન મજૂર મળે, અને ચૂનાની ભઠ્ઠીને ઓળખનાર પણ કોઈ ન મળે.'

'સિમેન્ટ જોઈતી હોય તો રાહ જુઓ.'

'પણ કેટલી રાહ જોવી ? મારા પછી અરજી કરનારને એક સો થેલી મળી અને મને અરજી કે ઉઘરાણી પણ ન કરવી એવા જવાબ મળે છે...'

'કદી કદી એમ થાય. હજી સ્વરાજ નવું છે...અને હું મુંબઈ લખી દઉં છું. બસ ?' અને માથું ખાતા સિમેન્ટના ફરિયાદીઓ જાય તે પહેલાં તો બે અંધ અને તેમને દોરતો એક દેખતા ગૃહસ્થ