પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦ : કાંચન અને ગેરુ
 


'નહિ; મારે તો એમને જ મળવું છે.'

'ઠીક. તો પેલા છોટા મુનીમના ઓરડામાં તપાસ કરો.' કહી રક્ષકોએ છોટા મુનીમનો ઓરડો દૂરથી બતાવ્યો.

છોટા મુનીમ ભલે છોટા કહેવાતા હોય પરંતુ એ એક જગતવિખ્યાત શ્રેષ્ઠીના છોટા મુનીમ હતા. તેમની આસપાસ ચાર રક્ષકો ફરતા હતાઃ એક એકથી ચઢિયાતા. સાધુને સદાવ્રત ઉપરાંત દાનદક્ષિણાની પણ આશા આપવામાં આવી. સાધુને કાંઈ જોઈતું ન હતું. એને તો માત્ર જયંત શ્રેષ્ઠીનાં દર્શન કરવાં હતાં. મહા મુશ્કેલીએ કેટલી વારે મળેલા છોટા મુનીમે કંટાળીને આનંદને મોટા મુનીમ પાસે મોકલ્યો.

હસતે મુખે આનંદ મોટા મુનીમ પાસે ગયો. મોટા મુનીમને આસપાસ આઠ રક્ષકોની દીવાલ હતી. તેમની દીવાલ ભેદતાં રાત પડી, અને કંટાળેલા મુનીમ મશાલચીઓની પાછળ ઘેર જેવા બહાર નીકળ્યા ત્યારે સાધુની મુલાકાત શક્ય બની.

'મહારાજ ! આર્ય સાધુ હો તો મંદિર બંધાવી આપું; બૌદ્ધ સાધુ હો તો ગુફા કોતરાવી આપું. પરંતુ શ્રેષ્ઠીને અત્યારે મળવાનો લોભ જતો કરો.' વડા મુનીમે આનંદને સલાહ આપી.

'બધા લોભ જતા કર્યા છે, પરંતુ શ્રેષ્ઠીને મળવાનો લોભ જિતાય એમ નથી.' આનંદે કહ્યું.

'ઈશ્વર કૃપા કરે તો તેમને મળાય. બહુ જ કામમાં છે. અને અત્યારે તો એ મળે જ નહિ.'

'અહીં આંગણામાં બેસી રહીશ. આપની માફક એ બહાર નીકળશે, ત્યારે મળીશ.'

'પણ કામ શું છે આપને? મને કહો. માગો તે આપવા તૈયાર છીએ. ધનની અમારા ભંડારમાં ખોટ નથી. પછી મળીને શું કરશો ?'

'શ્રેષ્ઠીને કેમ મળવા માગું છું એનું કારણ શ્રેષ્ઠી વગર કોઈ સમજી શકે એમ નથી...'