પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? : ૪૭
 

તેને ખબર ન પડી કે તે ગરીબ છે. પરંતુ એ સમજણ અનેક દાખલાઓમાંથી એવી સ્પષ્ટ ઊગી નીકળે છે કે ગરીબી એટલે શું તે અશોક જાણી શક્યો.

સંતોષની શિખામણ સહુને સંતોષ આપતી નથી. પૂર્વ જન્મનાં કર્મફળ આ જન્મ ભોગવવાનાં હોય છે એમ કહેવા અને માનવાથી આ જીવનમાં કષ્ટની સચોટતા ઘટતી નથી. કિસ્મત, નસીબ, ભાગ્ય જેવી ભાવનાનો ટેકો પ્રત્યેક ઠોકરે માનવીને ઊભો રાખી શકતો નથી. સહુ સરખાં ન હોય; બધાં પાલખીએ બેસે તો પાલખી ઊંચકે કોણ ? એવી ફિલસૂફી અસમાનતાના ઘાવને ભાગ્યે જ રુઝાવે.

જીવનની અસમાનતા ડગલે ને પગલે સહુને વાગે એમ પ્રદર્શિત થયા જ કરે છે. સોળ કલાક પતંગ ચગાવતાં કે ભમરડા ફેરવતાં સઘન બાળકને નિહાળતાં અશોકને જરૂર લાગે જ કે તેની બેચાર પતંગ અને તૂટેલી આર વાળો ભમરડો તેને પૂરતાં થઈ પડે નહિ જ. સરસ કપડાં પહેરી આવતો ધનવાનનો બાળક વિદ્યાર્થી જરૂર સહુને પિતાનાં કપડાંની રોનક બતાવે જ, અને અન્ય ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે મોટાઈ દર્શાવી અશોક સરખા જીવંત વિદ્યાર્થીના હૃદયમાં અસૂયાની આગ જગાડે જ. સાઈકલ કે ગાડી ઉપર ચઢી આવતા ધનવિજયી વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓમાં કાં તો ખુશામત પ્રેરે અગર ન સમજાય એવું વેર પ્રેરે. ડબ્બામાં ખાવાનું લઈ આવતા વિદ્યાર્થીઓ સઘળા વિદ્યાર્થીઓમાં એ સ્વાદિષ્ટ વાની વેરતો હોય તો કાંઈ ઊર્મિજ્વાલા ઊછળે નહિ. પરંતુ તેમ બનવું અશક્ય હતું, એટલે એકલાં એકલાં સ્વાદતૃપ્તિ અનુભવતાં બાળકો અજાણે તેમનાં માતાપિતાની મોટાઈનાં પ્રદર્શન સાથે ચારે પાસ ઝેર વેરતાં થાય છે.

'મા, પેલો યશવંત એવા સરસ બૂટ પહેરીને આવે છે ! મને એવા બૂટનું મન થયું છે.' અશોક કહેતો: અને મા તેને જવાબ