પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : કાંચન અને ગેરુ
 

આપતી : 'આવતી કાલ તું પૈસા લઈ જજે અને એવા જ બૂટ કરાવજે.' બાળક સંતુષ્ટ થતો.

'કિશોર તો રોજ ચોપડીઓની થેલીમાં ખાવાનો ડબ્બો લઈ આવે છે. રોજ તો મને આપતો; આજ મને અંગૂઠો બતાવ્યો ! હરામખોર !' અશોક કદી કદી કહેતો.

'અશોક ! ભૂખ લાગતી હોય તો તું યે કાંઈ લઈ જા. પણ કોઈને ગાળ ન દઈએ' માતા કહેતી. બાળકને સંતોષ થતો. પરંતુ અંગૂઠો દેખાડતા ધનિક પુત્રને ગાળ કેમ ન દેવાય એની સ્પષ્ટતા માની આજ્ઞા કરી શકતી નહિ. અપમાનજનક અંગૂઠો અશોકને મન કાપી નાખવાને પાત્ર લાગતો હતો.

અશોકને ક્યાંથી ખબર હોય કે તેની પ્રત્યેક માગણી પૂરી પાડતી વખતે વિધવા માતાનું એક પછી એક ઘરેણું અદ્રશ્ય થતું હંતું !

અને છતાં કેટલીક એવી પણ માગણીઓ હતી કે જે માતા પૂરી કરી શકતી નહિ, અને પૂરી ન કરી શકવાના કારણે તેની આંખમાં આંસુ વહેતાં.

'મા ! સરયુ તો સાઈકલ લઈને આવે છે ! મને સાઈકલ કેમ નહિ ?'

'ભાઈ ! બધાં તો સાઈકલ નથી લાવતાં ને ?' મા જવાબ આપતી.

'ના.'

'મોંઘી વસ્તુ બધાંને ક્યાંથી હોય ?'

'બધાંને કેમ ન હોય ?'

અશોકને ક્યાંથી ખબર પડે કે તેની માતા સ્ત્રી હોવાથી તેની આર્થિક ગુંજાયશ સમાજમાં નજીવી જ હોય ! સાઈકલમાં પૈસા વપરાઈ જાય તો ભણતર માટે – અરે જીવન ગુજારવા માટે પણ પૈસા ક્યાંથી ૨હે ?