પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? : ૬૧
 


'મા, તું મારી પ્રેરણામૂર્તિ છો ! ગુરુ છો!'

'ગુરુ ! દીકરા ! એ પ્રપંચમાં તું પાછો ક્યાં પડ્યો?' માતાએ સહજ આંખ ઝીણી કરી સ્મિતભર્યા મુખે પૂછ્યું. માની મૂર્તિમાં એણે સતત સૌમ્યતા જ નિહાળી હતી.

એ સૌમ્યતાની પાછળ કેટલો પ્રચંડ ત્યાગ હતો તેની અત્યારે અશોકને ખાતરી થઈ. માતાની સૌમ્યતા પાછળ વર્ષોનાં કષ્ટ, વર્ષોની તપશ્ચર્યા, વર્ષોની નિષ્ફળતા અને અંતિમ નિરાશાનો ભડભડ બળતો અગ્નિ તેણે નિહાળ્યો. પુષ્પો દેખાય છે સુંવાળાં, રમણીય અને હોય છે સુવાસિત. પરંતુ ભયાનક પૃથ્વીપેટાળ અને ગૂંગળાવતા પાણીના ધોધને સહીને છોડ પુષ્પને ખીલવે છે. માતાનું સૌમ્ય સ્મિતપુષ્પ કેટકેટલી મૂંઝવણમાંથી જાગ્યું હશે?

'મા, તેં ધર્મપ્રપંચ છોડ્યો?' અશોકે પૂછ્યું.

'ના. મારે મન એ પ્રપંચ નથી.'

'અને છતાં તું મને સહી લે છે? આ ઉદારતાનો ભંડાર....'

'તમારે બહાર નીકળવાનું છે.' વિચારસ્રુષ્ટિમાંથી તેને કેદખાનાના એક અમલદારે ખેંચી કાઢતાં કહ્યું.

'ક્યાં? કેમ?' અશોકે પૂછ્યું. માતા સાથેની માનસીક વાતચીતનો અણગમતો અંત આવ્યો એ અશોકને ગમ્યું નહિ.

'સરકારનો હુકમ છે કે તમને પંદર દિવસ છોડવા.'

'કેમ?'

'હું દિલગીર છું: પણ્ તમારાં માતાની માંદગીના સમાચાર આવતાં સરકારનો એવો હુકમ આવ્યો છે.'

અશોક્ જમીન ઉપર બેસી ગયો. કદી એણે માથે હાથ મૂકી નિર્બળતા દર્શાવી ન હતી. આજ એણે બન્ને હાથ ઉપર મસ્તકને ટેકવ્યું.

'તમે જલદી તૈયાર થાઓ તો અત્યારે જ ગાડી પકડી શકાશે. અમલદારે કહ્યું અને અશોકના દેહમાં વેગ આવ્યો. તેણે ગાડી પકડી.