પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : કાંચન અને ગેરુ
 


'મારે આવ્યે તો કલાક થવા આવ્યો, પણ એ પૂરું બોલે છે જ ક્યાં ? એને શું થઈ ગયું છે એ જ સમજાતું નથી. તેં તો એને જૂની ઢબની વહુ બનાવી દીધી લાગે છે ! ઘરરખુ ગૃહિણી, નહિ?' કહી સુધાકરે ખડખડ હાસ્ય કર્યું અને કપિલ સામે નિહાળ્યું.

વિજયે પણ તેની સાથે વિવેકભર્યું હાસ્ય કર્યું અને કપિલા સામે જોઈ કહ્યું : 'કેમ કપિલા ! સુધાકરને આવી ફરિયાદ કેમ કરવી પડે છે?'

'એની સાથેની વાત તો વર્ષો પહેલાં પૂરી કરી દીધી છે.' કપિલાએ જરા બાજુએ જોઈ કહ્યું :

'જો ને સુધાકર ! બહુ વર્ષે તું દેખાયો એટલે જરા કપિલા શરમાતી હશે તમારી મૈત્રી તો કેટલી ગવાતી હતી !'

સુધાકર સહેજ ખમચ્યો. પણ તેને પ્રત્યેક સંજોગ ઉપર વિજય મેળવતાં આવડતું હતું. તેણે પોતાની ચબરાકીને તેજસ્વી બનાવી કહ્યું; 'હું જે કપિલાને ઓળખાતો એ કપિલા કદી શરમાતી નહિ. તું માસ્તર ! તારી સાથે પરણીને એ ' સભ્ય, શિષ્ટ, સુશીલ બની ગઈ છે. મારાથી તો આ કપિલા ઓળખાતી જ નથી.'

'જેને કોઈ ન પરણે એને બિચારો માસ્તર પરણે ! શું થાય ? પણ જો, તારે અહીં જમવાનું છે. તને સમય પણ મળશે અને કપિલાની શરમ પણ ઊઘડી જશે.' વિજયે કહ્યું. વિજયનું મુખ હસતું હતું છતાં કપિલા જોઈ શકી કે એમાં કાંઈ અવનવું તત્ત્વ પણ દેખાઈ રહ્યું હતું.

'ના ના, એ તો અશક્ય છે ! તેં વાંચ્યું નહિ આજના છાપામાં, કે મારા માનમાં એક જમણ રાત્રે ગોઠવાયું છે?' સુધાકરે કહ્યું.

'ના ભાઈ ! ક્યાં ?

'રોટરી કલબમાં. શું તું યે ! માસ્તર તો માસ્તર જ રહ્યો !

'તારું ભાષણ પણ હશે—'