પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : કાંચન અને ગેરુ
 


'કદાચ કપિલા તને પરણી હોત તો પતિભક્ત ન પણ બની હોત ! સંજોગો માનવીને ઘડે છે.' વિજયે કહ્યું, અને તેણે મુખ ઉપર સ્મિત ફેલાવ્યું.

સુધાકરની પણ આંખ ચમકી. આ એક ત્રણ ટકાનો 'માસ્તર' તેના ભૂતકાળની કીર્તિ સમી કપિલાને ઝૂંટવી બેઠો છે એની બડાશ માર્યે જ જાય છે ! એમ? આજ નહિ તો આવતી કાલ : એ કૈંક કપિલાઓ અને કૈંક વિજયોને ખરીદી શકે એમ છે ! છતાં વિજયના અભિમાનને હવે ફટકો મારવાનો સમય આવી ચૂક્યો છે એમ માની તેણે મોરચો બદલ્યો અને કહ્યું : 'બાળકી બહુ મિઠ્ઠી છે!'

'છોકરીઓ બધી જ મિઠ્ઠી હોય – સ્વાભાવિક છે.' વિજયે કહ્યું.

'એનું નામ શું પાડ્યું ?'

'કાંઈ નહિ. હજી તો “બબી” “બબી” કહીએ છીએ.'

'શું તું યે વિજય છે? “બેબી” પણ કહેતો નથી?'

'કોણ એક માત્રાનો ભાર વધારે ?'

'હલો ! બેબી ! રમકડાં આપું કે ચોકલેટ? પાસે આવો !' કહી સુધાકરે મેજ ઉપરથી એક ચોકલેટનું પાકીટ લઈ આગળ ધર્યું.

બાળકી એની સામે જોઈ રહી. અજાણ્યા માણસ પાસે જવું કે કેમ? અને જવું તો ચોકલેટનું પડીકું લેવું કે કેમ એ મહત્ત્વના પ્રશ્નોમાં ગૂંચવાયલી બાળકી ત્યાં જ ઊભી રહી.

'જાઓ, પાસે જાઓ !' વિજયે કહ્યું.

છતાં આગળ ન વધતી બાળકી તરફ નિહાળી કાઈને પણ સંબોધન કર્યા વગર સ્વગત ઉદ્ગાર કાઢતો હોય એમ સુધાકર બેલ્યો : 'બિલકુલ મળતી આવે છે !'

'શું ? કોણ? કોને મળતી આવે છે?' કપિલાએ વિહ્વળ બની પ્રશ્ન કર્યો–તેનાથી પ્રશ્ન પૂછાઈ ગયો.

'મારી એક બહુ નાનપણની છબી છે; કદાચ મેં તને બતાવી