પૃષ્ઠ:Kankavati.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તારો કોલ છે ?"

"હા, મારો કોલ છે."

ત્યાં તો મડાના જમણા પગનો અંગૂઠો હાલ્યો છે. એવરત મા તો અંતર્ધાન થયાં છે.

બીજો પહોર થયો ને જીવરત મા આવ્યાં છે. માજીએ તો દેરાનાં બાર બંધ દેખ્યાં છે. એણે ત્રાડ દીધી છે:

"ઉઘાડ ! ઉઘાડ ! અમારા થાનકમાં બેસનાર તું જે હો તે ઝટ ઉઘાડ. નીકર બાળીને ભસમ કરું છું."

બારણાં ઉઘાડીને બાઈએ તો બીજાં માતાજીને જોયાં છે. તે તેજના અંબાર પથરાણા છે. મેઘલી રાતે જાણે ચંદરમા ઊગ્યો છે."

"અરરર! એલી, તેં અમારું થાનક અભડાવ્યું ! બોલ તું કોણ છો ? ડેણ છો? ડાકણ છો ? બોલ. નીકર સરાપ દઉં છું."

"માતાજી, હું ડેણેય નથી, ડાકણેય નથી. છું તો કાળા માથાનું માનવી, અને વખાની મારી આંહીં આવી છું. મારા સ્વામીનાથનું મોત બગડે નહિ, માટે બેઠી છું."

"બાઈ બાઈ, તારો ધણી જીવતો થાય તો ? તો અમારે બોલે પળ્ય ખરી?"

"હા જ તો માતાજી ! કેમ ન પળું?"

"કોલ દઈશ?"

"કોલ દઉં છું."

એટલું કીધું ને મડાનું જમણું પડખું ફર્યું છે. જીવરત મા તો અંતર્ધાન થયાં છે.

ત્રીજો પહોર મંડાય છે. ત્યાં વળી અજૈયા માતા આવે છે. 'ઉઘાડ ઉઘાડ! કહીને કમાડ ઉઘડાવે છે.

અજૈયાએ તો દેશમાં મડું દીઠું છે. ડોળા ફાડી ફાડીને બાઈને તો ડારા દીધા છે. કીધું છે કે" ઝટ બા'ર નીકળ, નીકર બાળીને ભસમ કરીશ."

બાઈ તો કહે છે કે "નહિ નીકળું, સળગાવી દ્યો તો ય મારા સ્વામીનાથના મડાને નહિ રઝળાવું."

અજૈયાએય બામણને સજીવન કરવાનાં વરદાન દીધાં છે. બોલે પળ્યાના કોલ લીધા છે. લઈને અંતર્ધાન થાય છે. બામણનું ડાબું અંગ તો હાલવા માંડે છે.

ચોથે પહોરે વજૈયાજી પધાર્યા છે. એણેય કોલ દીધા છે. વરરાજા તો આળસ મરડીને બેઠો થયો છે. એ તો વહુને પૂછે છે :

"અરે હે અસ્ત્રી ! આપણે આંહી દેરામાં ક્યાંથી ? મારા માબાપ ક્યાં ? જાનૈયા ક્યાં ?"

"હે સ્વામીનાથ ! રાતે મૂરત સારું નહોતું. તમને નીંદર આવી ગઈ'તી. સવારે સારું ચોઘડિયું આવે ત્યારે સામૈયું કરવાનું કહી માબાપ ગામમાં ગયા છે."