પૃષ્ઠ:Kankavati.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૌ તો ગામમાં હાલ્યાં છે, ત્યારે વહુ તો એકલી થંભીને ઊભી રહી છે. સાસુ-સસરો તો બોલ્યાં છે કે -

"અરે માડી ! વહુ દીકરા ! હવે એની માયા મેલી દ્યો અને ગામમાં હાલો."

વહુ કહે, " હવે તો હાલી રિયાં ! જ્યાં ઈ ત્યાં જ હું."

માવતર અને સગાંવા'લા તો મડદાને મેલીને હાલી નીકળ્યાં છે. બાઈ એકલી મડદાનું માથું ખોળામાં લઈને બેસી રહી છે. અઘોર રાત જામી છે. મે'નાં પાણી તો માતાં નથી.

બાઈ તો વિચાર કરે છે કે, અરે જીવ ! આંહીં બેસી રહીશ તો આને નાર ખોર ને સાવજ દીપડા ઢરડી જાશે. મારા પંડની તો મને ભે' નથી, પણ મડાની ભે' છે. મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસદ્‌ગતિ થાશે. પણ હું શું કરું ? ક્યાં લઈ જાઉં?

ત્યાં તો વીજળીનો એક અંજવાસ થયો છે. અંજવાસમાં આઘેરું એક દેરું કળાણું છે.

હાં ! કાંઈક દેરા જેવું લાગે છે. મડાને લઈને ત્યાં પહોંચી જાઉ તો મડું ઊગરે. મડાને પગેથી ઢરડું તો તો મારા સ્વામીનાથનું માથું રગદોળાય, માટે માથું જ ઝાલીને ઢરડું. પગ ભલે ઢરડાતા આવે. એનો તો કાંઈ વાંધો નહીં.

બાઈએ તો ધણીનું માથું ઝાલીને મડું ઢસડવા માંડ્યું છે. વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી હાલે છે. વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે. વીજળીને સબકારે સબકારે દેરાની દૃશ્ય સાંધે છે.

એમ કરતી કરતી બાઈ તો દેરે પહોંચી છે. મડાને માલીપા લઈ ગઈ છે. અંદરથી બાર બીડીને સાંકળ ચડાવી છે. અને એકલી સ્વામીનાથનું માથું ખોળામાં લઈને બેઠી છે.

હાશ ! હવે ભે' નથી. હવે મારું ગમે તે થાઓ.

🌿

ધરાત થઈ ત્યાં એવરત મા આવ્યાં છે. જુઓ તો દેરું માલીપાથી દીધેલું છે. અરે, આ મારા થાનકની સાંકળ કોણે વાસી છે? ઉઘાડ, ઝટ ઉઘાડ ! નીકર બાળીને ભસમ કરું છું.

બાઈએ તો દ્વાર ઉઘાડ્યાં છે. આંખો તો માતાજીના તેજમાં અંજાઈ જાય છે. અંધારી રાતે અજવાળાં સમાતાં નથી.

"અરરર! એલી, તું છો કોણ? ડેણ છો? ડાકણ છો ? આ મડાને દેરામાં આણીને અમને આભડછેટ લગાડનારી તું છો કોણ? બોલ, નીકર બાળીને ભસમ કરી નાખું છું."

"માતાજી, ખમૈયાં કરો. હું નથી ડેણ કે નથી ડાકણ. પરણીને આવતાં અંતરિયાળ મારા સ્વામીનાથને એરુ ડસ્યો છે. જનાવરની બીકે રાત કાઢવા તમારો આશરો લીધો છે."

"બાઈ બાઈ, તારો ધણી સજીવન થાય તો ? તો મારે બોલે પળીશ ?"

"અરેરે, માતાજી, એવાં મારાં ભાગ્ય ક્યાંથી ?"