પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૨ )

મદદ મળશે, એવો સંભવ નથી. તે રાજાઓએ સુંઠનો સ્વાદ ચાખ્યો છે. આજ ઘણાંએક વર્ષ થયાં પાદશાહે પોતે જાતે તેઓની સાથે લડાઈ ચલાવી છે, તેમાં તેઓની ઘણી ખરાબી થઈ છે. તેઓ આપણા લશ્કરનું બળ અનુભવથી જાણે છે, તથા તેથી તેઓ ઘણું બીહે છે. વળી કરણને મદદ કરી તેઓ પાદશાહની ઈતરાજી કરાવશે નહી. કરણ પણ એટલો અહંકારી છે, તથા તેને પોતાના બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓની સહાયતા માગશે નહી. માગશે તો પણ તે મળવા જેટલો હવે વખત રહ્યો નથી. વળી જો તેઓની મદદથી કરણ જય પામે તો પ્રતિષ્ઠા સઘળામાં વહેંચાઈ જાય, અને થોડો ભાગ જ કરણને મળે. પણ તેમ થાય તેમાં કરણ નાખુશ છે, તેને સઘળી આબરૂ પોતાને જોઈએ છીએ, તેથી તે પોતે એકલો જ વગર મદદે લડશે એવો સંભવ છે. પછી તો શિવજી જાણે, પાટણ જવાના રસ્તામાં કાંઈ હરકત નડે એવું નથી, વચ્ચે કાંઈ મોટા પહાડ અથવા મજબુત કિલ્લા આવતા નથી. દેશ સઘળો પાધર છે. ગામ ઘણાં મોટાં તથા પૈસાવાળાં છે; તથા અન્ન પાણી પણ પુષ્કળ મળશે તેથી રસ્તામાં આપણને કશી વાતની આપદા પડવાની નથી.

માધવની આટલી વાત સાંભળીને અલફખાંનું મન સંતોષ પામ્યું, અને રાત વધારે વહી ગઈ, એમ જાણી માધવને પોતાના તંબુ ઉપર જવાની રજા આપી, તે વખતે છાવણીમાં સઘળું ચુપાચુપ હતું. બીજે દહાડેથી કુચ થવાની હતી, તથા લડાઈનો સમય પણ પાસે આવ્યો હતો એમ જાણીને આગળથી થાક ખાઈ લેવાને ઘણાએક તે દહાડે રોજ કરતાં વહેલા સુઈ ગયા હતા. તો પણ ઠેકાણે ઠેકાણે ચોકીદાર સીપાઈ તાપણાની આસપાસ ઘણાએક ટોળાં વળીને તાપવા તથા વાતચીત કરવા બેઠા હતા, તેઓ સઘળાની વાતનો વિષય ગુજરાત જ હતો. તેઓ જ્યાં જ્યાં ગયલાં ત્યાં ત્યાં જય મેળવેલો, અને કોઈ વખત પણ પોતાનું કામ સિદ્ધ કીધા વિના આવેલા નહીં તેથી તેઓને પોતાના બળ ઉપર જોઈએ તે કરતાં વધારે ભરોસો હતો. માટે આ વખતે ગુજરાત જીતાશે એ વિષે તેઓને જરા પણ શંકા નહોતી. તેઓમાંથી જેઓ ઘણા નિમાજી તથા ધર્માંધ હતા તેઓ