પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૪ )

રૂપસુંદરી તથા કૌળારાણી પ્રકાશતી હતી. રૂપસુંદરીનું વર્ણન આપણે કીધેલું છે, તે આ વખતે પહેલાંના જેવી જ રૂપાળી હતી, પણ તેને આટલા દહાડા સુધી મેહેલના એક ખુણામાં રાખી મુકી, તથા તેટલી મુદત સુધી તેને શરીરનું તથા મનનું કાંઈપણ સુખ મળ્યું નહી, તેમ જ તેનો વર તથા કુટુંબ તરફનું જે દુ:ખ પડ્યું હતું તે વિસારવાને રાજાની તરફથી કાંઈ કરવામાં આવ્યું ન હતું, એ સઘળાં કારણોથી તેના મ્હોંડા ઉપર ફિકાશ આવેલી હતી, તથા તેનો ચેહેરો જરા ઝરડાઈ ગયલો દેખાતો હતો. પણ કૌળાદેવી જે રાજાની પટરાણી હતી તેના રૂપનું તે વર્ણન થઈ શકે એવું ન હતું. જે જે ખુબસુરત સ્ત્રીઓ ચિત્રકારોએ તથા પ્રતિકમાકારકોએ કલ્પેલી છે, ઇટલી દેશના ચિતારાઓએ તથા મૂર્તિકારકોએ ઈસા પેગંબરની પવિત્ર મા મરિયમની તસવીર તથા મૂર્તિઓ બનાવેલી છે, જે જે અતિ રૂપવંતી સ્ત્રીઓને કવિરાજોએ પોતાના મનમાંથી ઉત્પન્ન કરીને જગતને દેખાડેલી છે, તે તે જાતનું સૌન્દર્ય કૌળારાણીમાં હતું. તફાવત માત્ર એટલો જ કે તેનું રૂપ ક્ષત્રીની સ્ત્રીને, એટલે રજપૂતાણીને યોગ્ય હતું. આખા ભરતખંડમાં તેના રૂપનો જોટો ન હતો. તેમાં આ વખતે તે મહાશોકમાં બેઠી હતી તેથી તેની ખુબસુરતીમાં ઘટાડો થવાને બદલે તેનું તેજ વધારે પ્રકાશતું હતું, ઈશ્વરની કારીગરી કેવી ચમત્કારિક છે ! તેના શરીરનો ઘાટ એવો સંપૂર્ણ હતો કે કોઈ પણ માણસ, પછી તે જુવાન કે વૃદ્ધ ગમે તે હોય, તોપણ તેને આખા દહાડા સુધી નિરખ્યાં જ કરે તો પણ તે ધરાય નહી, અને તેને ભૂખ કે તરસ કાંઈ લાગે નહી એવી કૌળારાણીની પાસે બે છોકરીએ ઉભી હતી, અને મુરઘીનાં બચ્ચાંને મારવા બાજ ઉંચે ઉડતાં ઉડતાં તલપ મારે છે તે વખતે બચ્ચાં જેમ તેની માની પાંખ નીચે ભરાઈ જાય છે, તથા તેના શરીરને દબાઈને ઉભાં રહે છે, તેમ આ પ્રસંગે તે છોકરીઓ તેની માની સ્હોડમાં દબાઈને ભયભીત થયલી ઉભી રહેલી હતી. તેઓમાંથી મોટી કનકદેવીની ઉમર આઠ તથા નાની દેવળદેવીની ઉમર ચાર વર્ષની હતી; પણ તેઓના શરીરનો ઘાટ તેઓનાં વર્ષ પ્રમાણે જેટલો હોવો જોઈએ તે કરતાં કાંઈક વધારે ખીલેલો હતો. તેએાનું રૂપ તેઓની માના જેવું જ હતુ, માત્ર તેએાના મ્હોં ઉપર