પૃષ્ઠ:Karanghelo.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૨)

ગુજરાત જીતવાની એક મતલબ ત્યાનું અગણિત દ્રવ્ય હરણ કરવાની હતી, તેથી જો મેહેલ બળી જશે તો તે માંહેના સઘળા ખજાનાનો નાશ થશે એ બીહીકથી અલફખાંએ આગ તુરત હોલવી નાંખવાનો પોતાના સિપાઈઓને હુકમ કીધો. તે વખતે હજારો માણસો મેહેલ ઉપર તુટી પડ્યાં, અને આગની ગડબડાટમાં લુંટવાનો સારો વખત મળશે એવી ઉમેદથી ઘણા જોરથી કામે વળગી ગયાં. જોતજોતામાં તેઓએ મહેલનો બળતો ભાગ તોડી નાંખ્યો, અને પાણીનાં વાસણ પાસેનાં ઘરમાંથી લાવી આગ હોલવવા લાગ્યાં. થોડી વારમાં અંદર જવાનો રસ્તો થયો, અને થોડા બહાદૂર મોતને ન ગણનારા સિપાઈઓએ મેહેલમાં પેસી રાણીઓને તથા બીજાં કેટલાંએક માણસોને ખેંચી બહાર કાઢ્યાં, અને પડેલી આખડેલી વસ્તુઓ જે હાથમાં આવી તે લઈ આગળ ચાલ્યા. આ વખતે કૌળારાણી છેક નિરાશ થઈ ગઈ, તથા શત્રુના હાથમાં પડવાની ફિકરમાં પડી, પણ તેણે હિંમત મૂકી નહીં, તે એક ઓરડામાં ભરાઈ, અને તેને માંહેથી બંધ કીધો. પછી જલદીથી તેણે સ્ત્રીને વેશ કાઢી નાંખીને પુરૂષનાં વસ્ત્ર પહેર્યા, પોતાની ખુબસુરતી ઢાંકવાને વાસ્તે મ્હોં ઉપર રંગ લગાડ્યો, અને તેનું રૂપ બદલી નાંખીને અને ઢાલ તરવાર બાંધીને ઓરડાની બારીએ ઉભી રહી. ત્યાં આવીને “બળું છું રે બળું છું” એવી બુમ પાડી, તે ઉપરથી નીચેના સિપાઈઓએ દયા લાવીને એક સીડી મૂકી, તે ઉપરથી તે નીચે આવી. તે કોઈ રાજાનો ખવાસ હશે એમ જાણી તેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહી, અને તે વખતે સઘળાઓનું મન મેહેલ લુંટવા તરફ હતું, તેથી તેઓએ બીજી કશી વાત ઉપર લક્ષ આપ્યું નહી. થોડી વાર આણીગમ તેણીગમ ફરીને તે ત્યાંથી જતી રહી, અને એક તેના ઓળખીતા રજપૂત પાસે જઈ તેનો ઘોડો માગી લીધો. તે ઘોડો ઘણો તેજસ્વી તથા જલદ હતો તે ઉપર સ્વાર થઈ તથા રસ્તામાં કોઈ ઉપદ્રવ ન કરે માટે રજપૂતનો વેશ બદલી મુસલમાનનો વેશ ધારણ કરી શહેરના દરવાજા બહાર તે સહેલથી ચાલી ગઈ.

રાજ્યમેહેલ જલદીથી છંટાઈ ગયો. બીજી રાણીઓ જીવતી