પૃષ્ઠ:Karanghelo.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૩ )

કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મેહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહી. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અન્તઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો, એ દુ:ખથી તેના મન ઉપર એવી તે અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કીધો-

લલિત છંદ.
કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને, શીદ રે રહ્યો;
કરમ ફુટિયું, પ્રાણ જાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
તુજ વિના હવે, અન્ન ના ગમે, મન તણી મહા, વેદના દમે;
દરદ તાહરૂં, ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તે નથી;
ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
કનકદેવલી ? ક્યાંહ રે હશે; રઝળતી મુકી, ક્યાં હવે જશે;
ધીરજ છાતીમાં, ના રખાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
રજપૂતો ! તમે, ન્યાત જાત રે, સકળ સ્નેહિઓ, માત ભ્રાત રે;
વિરહ તે તણો, કેમ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે,
પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કિધી, મૂજ કારણે;
વચન મીઠડાં, ના ભુલાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાંપણી જ હું;
અધમ લોકને, હાથ જાઉં રે, સુખ સદા ગયું, હાય હાય રે.
ધરમ મૂકિને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;
તુરકડા વચ્ચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.
ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડિઉં, ભ્રષ્ટ તો થઈ;
અખુટ પાપ તે, ના કપાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.
અખિલ વિશ્વમાં, તું જ જે ધણી; અકળ ઈશ જે, છે દયા ઘણી;
તુજ કૃપા થકી, શાંતિ થાય રે, સુખ સદા ગયું, હાય હાય રે.