પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૨)

પ્રમાણે જ્યારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરિને સોંપી દીધી. તે મરદના વેશમાં બઈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓની ખાતરી થઈ, પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહી. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને ત્યાં તેને બીજી રાણીઓ પાસે એળખાવી. તેની ચામડીને રંગ તડકાથી શામળો પડી ગયો હતો, તથા તેણે જે મ્હોંડા ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસુરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહી, બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિને મહેલમાં રહેવા દીધી; અને એ પ્રમાણે થવાથી તેની મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો, તેની આગળ તે સૌન્દર્યના એક માનવી અવતાર, આરસની એક પુતળી જેવી ઉભી રહી, તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસુબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી, તેથી આ વાત જાણતાં જરા પણ તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ, થોડા દહાડા પછી શેહેરમાં એક મોટી ધામધુમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શેહેરના લોકોએ જાણ્યું