પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮ )

તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથવડે તથા લાકડાનાં બીબાંવડે રમણિક સાથિયા પુરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લુગડાં, ઘરેણાં પહેરીને મ્હાલતી હતી, અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઉભરાઇ જતો હોય એમ તેઓ ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાઓનાં મ્હોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કુદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટામાંના દુકાનદારો સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાવાળા, અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે જેઓ નવ દહાડો ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભુખ્યા વરૂના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.

રાજમહેલ અથવા રાજપાઠિકા કિલ્લામાં હતો, અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી ૫૦ ગજ ઉંચે હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફાટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખુણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખુણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આસરે ૨પ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાસી હતી, તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાસીની નીચે ઘણાં સુન્દર કમાન હતાં, અને તેઓની બે બાજુએાએ કીર્તિસ્તંભ હતા, દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી