પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪ )


રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યોઃ “સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરને મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.” બ્રાહ્મણ બોલ્યોઃ “રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલાં ઉઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.” ભાટ બોલ્યો “પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંત:કરણને બાળી નાંખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે, તે અપરાધી લોકોના ન્યાયનો દેવ છે, તે દ્રવ્યનો દેવ છે, તે જળનો ઉપરી છે, તે આકાશનો ધણી છે, તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે, તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું, જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.”

બ્રાહ્મણ બોલ્યોઃ “એ ગમે તેમ હોય તે પણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહી. શાસ્ત્રમાં કહેલું છે કે રાજા ગમે તેવા દુઃખમાં હોય તો પણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહી, કેમકે એક વાર તેએ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી કયા રાજાને દ્રવ્ય મળી શકે? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસોવડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિવડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે, જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરીયાદ કરવાની જરુર નથી, કેમકે તે પોતાની શક્તિવડે