પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૬ )

ભગવાન! આગળ કેવો કાળ આવવાને છે! તે હું ન જાઉં તો સારૂં. તેની અગાઉ, અરે ભગવાન ! તું મને ઉઠાવી લેજે. રાજદ્રોહ ! સ્ત્રીહત્યા શાસ્ત્રમાં મોટામાં મોટી કહેલી છે. અરે લક્ષ્મીબાઈ ! તેં, જગતમાં સઘળાને વશ કીધાં છે, બીજા બધા દેવો તથા દેવીને મુકીને તારા સેવકો સઘળા થઈ પડ્યા છે. તારે વાસ્તે લોકો ઘણા અધર્મ કરે છે. અરે ! એક સ્ત્રી, વળી તે રાજકન્યા અને તે પણ પરોણાગતના આશ્રયમાં રહેલી, તેની હત્યા કરવાનો વિચાર મારી દુષ્ટ સ્ત્રીને સૂઝ્યો, અને તે ઘોર પાપ મારી પાસે કરાવવાને ધારે છે એથી તો આડો અાંક વળ્યો, હવે જગતમાં રેહેવામાં કાંઈ સાર નથી, હવે તો મારે સંન્યસ્ત ગ્રહણ કરવું જોઈએ, અને આ પાપી પ્રપંચી દુનીઆનો ત્યાગ કરવો જોઈએ, હું એક ગરીબ બ્રાહ્મણ છું, મને મારી ધણીયાણી તરફથી મહા સંતાપ છે, મારું ભરણ પોષણ પણ મુશ્કેલીથી થાય છે; તો પણ આટલાં બધાં દુ:ખની સાથે હું મારા કાળનો નિર્વાહ કરૂં છું. જગતની જંજાળ તથા કલિયુગના દુષ્ટ વિચારોથી વિરક્ત રહેવાને હું રંગપાણી લઉં છું હમેશાં નિશાની લેહેરમાં રહીને સંસારનો મહાસાગર ચેહેનથી તરી જાઉં છું. ભલે આકાશ તૂટી પડે તોપણ આ દુષ્ટ કર્મ, આ ઘોર પાપ હું કદી કરવાનો નથી મારે કાંઈ પૈસાનું કામ નથી, અને મારાથી એ કામ બને એવું નથી.”

રંગમાં ચકચૂર થયલા ભટ આ પ્રમાણે પહેલી જ વાર પોતાની ધણીઆણીની સામું બોલ્યા. ભટે પહેલી જ વાર પોતાની ભટાણીની મર્યાદા તોડવાને હિમ્મત ચલાવી. તે એ પ્રમાણે પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવી ભટાણીને આશા ન હતી. અને તેની સાથે તે આવી રીતે ચાલશે એવો તેને વિચાર જ આવ્યો ન હતો. તેને એ વાતની તો પક્કી ખાતરી હતી કે એ કામ તેનાથી થવાનું નથી. તેને તો માત્ર તેની મદદ જોઈતી હતી પણ ઉપર પ્રમાણેનું બોલવું સાંભળીને તેનામાં સુતેલો સેતાન જાગ્યો, તેનામાં નખથી શીખ સુધી ક્રોધની જવાળા ઉઠી; તેનું મ્હોં રીસથી લોહીવર્ણ થઈ ગયું; તેના ડોળા લાલચોળ થયા, તથા આખા શરીર ઉપર તેનાં રૂઆં ઉભાં થયાં. આટલી બધી વાત સાંભળવાની તેનામાં ધીરજ રહો એ જ મોટું આશ્ચર્ય