પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૭ )

આ જંગલમાં અને પહાડોમાં મુસલમાન લોકોને ફસાવ્યા. ખુદાને માલમ કે એનું પરિણામ શું થશે. પણ હાલ તો બીચારો અલફખાં ગરદન મરાયો. ખુદા ખેર કરે. શું થશે ?

સેાભાન – જ્યારે તમે આગળ વાત ચલાવી ત્યારે તો મારે કહેવું જોઈએ કે એ ખેાજાને તો એ રાંડ સાથે કાંઈ જ નિસબત નથી. એને તો દેવગઢના રાજાને પાધરો દોર કરવો છે, પણ પાદશાહના ઝનાનખાનામાં એક રજપૂતાણી રાંડ છે તેને પાદશાહ વશ થઈ ગયો છે. તે ખરેખરી પરીજાત છે. જેવી બેહેશ્તની હુરી. પાદશાહ તેનામાં ગુલતાન થઈ ગયો છે, એમાં કાંઈ નવાઈ જેવું પણ નથી. ઓરતની વાત જ એવી છે. તે રંડીના કહેવા ઉપરથી અલફખાંને અહીં આવવું પડ્યું. નાસી ગયલી એારત તેની દીકરી થાય છે. તેને દિલ્લીમાં પોતાની પાસે બોલાવવી છે. પાદશાહની વાતજ ન પૂછવી. અલ્લા જાણે, એ જુવાન છોકરીને પાદશાહ શું કરશે? માને પરણીને હવે છોકરી સાથે શાદી કરશે ? અગર નહીં તો શાહજાદા સાથે પરણાવશે ? કાફર લોકોમાં પણ ઘણી ખૂબસુરત ઓરતો છે તે ખુદાએ આપણે જ માટે પેદા કીધેલી છે. પણ જ્યારે પાદશાહ તે સઘળીને પોતાની પાસે ખેંચી લેશે, ત્યારે આપણા જેવા સીપાઈ બચ્ચાને ઓરતો કયાંથી મળશે ? પાદશાહનો પણ જુલમ છે.

મલેક જાફર – (વચ્ચે બોલી ઉઠયો ) કેમ છે મિયાં સાહેબો? કાંઈ અક્કલ ગીરે મૂકી છે? હજરતો ! કાંઈ જીન્દગીથી કાયર થયા છો ? નકામા મોત શા માટે માગી લો છો ? જો આ તમારી વાત પાદશાહના જાણ્યામાં આવશે તો તમારા કડકે કડકા કરી નાંખશે. તમે હજી અલાઉદ્દીન ખિલજીને ઓળખતા નથી, તે સઘળે ખાનગી જાસુસો રાખે છે અને ગમે તેવી છાની વાત થાય તો પણ તેને કાને પડ્યા વિના રહેતી નથી. માટે હમેશાં સમાલીને વાત કરવી જોઈએ. એમાં નફો નથી, ઉલટી હાનિ છે, માટે એ વાત બદલી નાંખવી જોઈએ; બીજી ઘણીએ વાત છે.