પૃષ્ઠ:Karanghelo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩ )


જ્યારે તે ટોળા આગળ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઉભી રહી, અને રાજાની સામે ડોળા કાઢીને બોલી, “અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ ઈહાં તારે આવવાનું શું કામ હતું? તે અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રીસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? તું ઈહાંથી એકદમ જતો નહી રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારો લોહીની ઉજાણી કરીશું.” રાજા કરણ એવી રાંડોથી બીહે એવો ન હતો, મિયાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, “હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.” વંત્રીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઉભી રહી, અને તેઓમાંથી એક બોલી, “રાજાધિરાજ ! અમે વાણીયા બ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજી વાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહી માટે અમારી અસદ્ગતિ થઈ છે, માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારૂં નારાયણબળિ કરાવશો તો જ અમારો ઉદ્ધાર થશે.”

રાજાએ તેઓના ધણીનાં નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છુટકો કરાવીશ, વંત્રીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઉઠી:- “રાજા તું માગ, જે માગે તે આપીએ.” રાજાએ પોતાના ભવિષ્યની વાત પુછી ત્યારે એક વંત્રી બોલી, “મહારાજ ! અમને ભવિષ્યનું જ્ઞાન નથી, તો પણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શીખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઉથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અને રાવણનું મૃત્યુ થયું; દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં