પૃષ્ઠ:Karanghelo.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૪ )


માધવનો મહેલ સૂનોસુનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કુતરાં કઠોર સાદે રડતાં હતાં. બાઈડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતા, અને પ્રધાનના ઘરને બારણે નાગર ગૃહસ્થ ડાધુને વેશે કોઇ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જુના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેના ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાશી જાય છે, જુવાર કપાયા પછી ચલીયાં બીજે ઠેકાણે ઉડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બમણતી માખી જતી રહે છે, તેમ તે લીલા વનના સુડા, ઉગતા સુરજને પૂજનારા, આવતાના બોલબાલા તથા જતાનું મ્હોં કાળું કહેનારા, આ વખતે કોઈ માધવને ઘેર ફરકયા જ નહી.

માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા, તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતા. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મુકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કુટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાએકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કુટવાનું કામ વધારે જારી રેહેશે તો રોવા આવેલાંમાંથી બીજું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારી કરવામાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી, તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં આસરે હજારેક એકઠી મળી તરેહતરેહવાર અવાજ કાઢી વિલાપ કરતી હતી, તથા જીવથી બચેલા નોકરો “જીવતા શા સારૂ રહ્યા,” અને “ધણીની પાછળ પ્રાણ શા સારૂ અમારો ન ગયો,”