પૃષ્ઠ:Karanghelo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૭૧ )

જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહી. સ્ત્રીપુરૂષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જોય છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાને જોયાથી ખાતરી થઈ છે.

આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કીધાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્ન થઈ ગયો કે તેના અંતઃકરણમાં જે તોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઉઠી એક ખુણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલું મહાભારત દુઃખ તે ઘણું ખરૂં તો ભુલી જ ગયો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઇ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચ્છપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામ કાળ પર્યંત ટકે છે, અને માણસનાં બનાવેલાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલમ પડે છે, જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?

માધવના મનમાં જે દુષ્ટ તથા વિપરીત વિચારો ઉત્પન્ન થયલા હતા તે જો કે દબાઈ ગયા હતા, તો પણ તેઓનો સમળો નાશ થયો નહોતો, જ્યાં સુધી આવી રમણિક ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહી, એટલે તે વિચારો પાછા તેના મનમાં