પૃષ્ઠ:Karanghelo.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૭ )

ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્દગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા. બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો, બીજો મલેક ફક્રુદીન કચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો, એ સિવાય બીજા ઘણાએક અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દર્વેશો, તથા બીજાં ઘણાએક માણસો હતાં.

એવા દરબારમાં તે પકડાયલા ફિતૂરી લોકોને લાવી ઉભા રાખ્યા. પાદશાહે તેઓનો ઈનસાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કીધો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીન કચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મુક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પુછપરછ કરી લડાઇ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફક્રુદીને જાણી લીધી, ઈનસાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજીઓ ઉઠાવ્યો, તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કીધું, તથા કેટલાએક હિંદુઓને માર્યા, પછી હિંદુ લોકોએ સામા થઈ તેઓને માર્યા, એ તેઓએ ન્યાયાધીશની નજરમાં એક મોટી ચુક કીધી, અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો, જે સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુન્હો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તુટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહી, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહી, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્ય છે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખતિયાર નથી. જે માણસને નુકસાન લાગ્યું