ઘણાજ કદાવર હતા અને તેઓનો અવાજ ઘેરો હતો. થોડો વખત આ કાશ્મીરી ગાયન સાંભળી અમે સૂઈ રહ્યા.
તા. ૨-૧૧-૯૧:- આજ બેસતા વર્ષનો તહેવાર હતો તેથી અમે સૌ વહેલા ઊઠ્યા. ગંગરી અથવા નાની સગડી છાતી આગળ રાખી ઉતાવળથી નિત્ય કર્મ કરવા લાગી ગયા.
અગિયાર વાગે કાશ્મીરના રેસીડંટ કર્નલ પ્લિડોને મળવા ગયા. તે ઘણા જ વૃધ્ધ ને ભલા માણસ છે. અમને શ્રીનગરની કેટલીક સુંદર જગ્યાઓ બતાવવામાં રેસિડન્સી વકીલ લાલા જયકિસનદાસ મદદ આપશે એમ રેસિડેન્ટે કહ્યું. વાઈસરૉય પાંચમી તારીખે શ્રીનગર આવવાના હતા, તેથી એમની મુલાકાત લેવા અમારો વિચાર થયો. રેસીડેન્ટને અમારી આ ઇચ્છા જણાવી તેથી તેણે કહ્યું કે વાઇસરૉયના ફોરિન સેક્રેટરી સર ડ્યુરેંડ તે ગોઠવણ કરી આપશે. રેસિડંટની રજા લઇ તુરત જ લાલા જયકિસનદાસ મારફત સર ડ્યુરેંડને મળવાનો વખત પૂછાવ્યો. અમે અમારી કિસ્તી સુધી નહોતા પહોંચ્યા તેટલા વખતમાં લાલા જયકિસનદાસે આવી કહ્યું કેઃ સર ડ્યુરેન્ડ સાહેબ હમણાં જ મુલાકાત લેશે. તેથી અમે જ્યાં તેઓ ઊતર્યા હતા ત્યાં ગયા. થોડા જ વખતમાં તેઓ આવ્યા. વાઈસરૉયની મુલાકાત વિષે પૂછતાં એમણે કહ્યું કે ‘હું એઓ સાહેબને પૂછી જોઈશ. પછી કેટલીક વાતચીત કરી અમે રજા લીધી, ઉતારે આવ્યા અને જમ્યા.
અમે દૂધ લેવા એક માણસ મોકલતા હતા. તે માણસ દૂધ દોવરાવતી વખત ગાય પાસે જ રહેતો છતાં દૂધ પાતળું આવતું. આમ થવાનું કારણ થોડો વખત અમે સમજી શક્યા નહિ. પણ પછી માલૂમ પડ્યું કે, ગૌલી દોતી વખત એક ચામડાની નળી જભ્ભા નીચે રાખે છે. તેમાં પાણી ભરી રાખે છે અને દોતી વખત આ નળીના મોંમાંથી થોડું થોડું પાણી ઠામમાં જવા દે છે. અહો !