[ ૨૦ ]
અસંતોષ અને લોભ માણસને કેવાં નીચ કૃત્યો શીખવે છે !’[૧] લાલચી માણસની બુધ્ધિ કેવી ભ્રષ્ટ થઇ જાય છે! દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુધ્ધ ચેતન આત્માને કેવો તુચ્છ બનાવી દે છે! સ્વાર્થ અંતઃકરણને કેવું અશુદ્ધ કરી નાખે છે! હૃદય અનીતિથી કેવું ભ્રષ્ટ અને અવિચારી બની જાય છે! નીતિનો માર્ગ એક વખત જ જરા પણ ઉલ્લંઘન કર્યા પછી માણસની કેવી પશુવત્ સ્થિતિ થઈ જાય છે! એક દુષ્ટ કૃત્ય સિદ્ધ કરવા બીજાં હજાર પાપ કરવાં પડે છે. આ ક્ષણભંગુર દેહને બહુ જ થોડું જોઈએ છીએ, છતાં ઇંદ્રિય સુખની તૃષ્ણામાં લપટાઈ જઈ માણસ શું શું કૃત્ય ન કરે! આ એક ધન લોભી માણસ શું નહિ સમજતો હોય કે બીજાને છેતરવા જતાં હું જ છેતરાઉં છું! ઈશ્વરનો ગુનેહગાર થાઊં છું! મારી સાખ હલકી થવાથી મને અતિશય નુકસાન થાય છે! તેની ચોરી પકડાઈ ત્યારે પણ તેને પોતાનાં આવાં કપટી કર્મનો ત્યાગ કરવાની શું ઇચ્છા નહિ થઇ હોય ? ખરેખાત, તેને પણ સ્મશાન વૈરાગ્ય થયો હશે જ, પણ એ ક્યાં સુધી? દુરાચરણથી પેટ ભરનારા ક્ષુદ્ર જનોને વળી કર્તવ્ય શું અને અકર્તવ્ય શું!
સાંજે અમે બહારશાહ અને સમદશાહની દુકાને કાશ્મીરી પશમીના અને શાલો જોવા ગયા. આ શાલો એવી તો ટકાઉ અને સુંદર બને છે કે તેની જોડ સૃષ્ટિમાં બીજે ક્યાંય છે જ નહિ. ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગીરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્મીરનાં માણસો આવું કામ કરે તેમાં શી નવાઈ! હે હિંદુસ્તાન ! તારી કારીગીરીને તું શા માટે ઉત્તેજન નથી આપતો? તારાં બચ્ચાંને તું કુશલ શામાટે નથી બનાવતો? કુદરત તો તારા
- ↑ ‘लोभमूलानि पापानि’ એ સંસ્કૃત વાક્યની સત્યતા વખતોવખત જોવામાં આવે છે.