પૃષ્ઠ:Killol.pdf/૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કિલ્લોલે કિલ્લોલે તું ઉભી સદા,
સાંભળતી મુજ કાલાઘેલા બોલ જો;
દેવાલયના ઘુમ્મટ શી મુંગી મુંગી
પડછંદે જગવંતી સ્વર-હિલ્લોલ જો.

આત્મનની તરસી ફુલવાડીમાં સખિ,
વરસી રહી તું ગાજ્યા વિણ ગંભીર જો:
વરસીને સોહંતી શારદ વાદળી !
ફરી ફરી લાવે ભરીને નવલાં નીર જો.

વત્સલતા, વાલપ, કરુણાના મોરલા,
ટૌકે મારા ગૃહ-વડલાની છાંય જો,
તુજ ગુંજ્યા ઝીલી તુજને પાછાં દઉં,
સ્વીકારી સાચવજે અંતર માંય જો !

અધરે આવી આવીને પાછા વળે
અણબોલ્યા અણખોલ્યા ઉરના ભાવ જો,
મનડાની મુંગી મુંગી આરાધના -
એ છે સહુથી ઉંચું અનુપમ કાવ્ય જો!