પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
રોહિણી



આવી છે, તેઓ દુઃખનું નિદાન જાણે છે, તેથી એ શ્રમણો ઉપર મને પ્રીતિ ઊપજે છે. ગામના રસ્તામાં થઈને રોજ જાય છે તો એ કોઈના સામું ઊંંચી નજરે જોતા નથી. ભોગવૈભવ અને સંપત્તિ તરફ તેઓ ઉપેક્ષા રાખે છે. પોતે કોઠારમાં ધનધાન્યનો સંચય કરતા નથી, પરંતુ જે સારરૂપી ધન છે તેની શોધ કર્યા કરે છે, એટલા સારૂ તેઓ મને પ્રિય લાગે છે. સોનારૂપાને કદી સ્પર્શ કરતા નથી, જે કાંઈ મળી આવે છે તેનાથી ગુજરાન ચલાવે છે, જુદા જુદા દેશો અને જુદાં જુદાં કુટુંબમાંથી આવીને તેઓ એકઠા થયા છે અને એક બીજા પર સ્નેહ રાખીને હળીમળીને રહે છે. એ ગુણોને લીધે શ્રમણ મને પ્રિય લાગે છે. ”

રોહિણીનો એ ઉત્તર સાંભળીને પિતા ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા: “તારા જેવું કન્યારત્ન મારા ઘરમાં ઉત્પન્ન થયું તેથી હું પોતાને ધન્ય ગણું છે. બુદ્ધ ભગવાનમાં, ધર્મમાં અને સંઘમાં તારી અત્યંત શ્રદ્ધા અને ભક્તિ છે. તને આ ઉત્તમવિચાર ઉત્પન્ન થયો છે એ તારા આગલા જન્મનાં પુણ્યનો પ્રભાવ છે. અમે પણ આજથી શ્રમણોની સેવાચાકરી કરીશું, જેથી અમે પણ પુષ્કળ પુણ્યનો સંચય કરવા પામીશું.” ત્યાર પછી રોહિણીએ કહ્યું કે, “પિતાજી ! જો ખરેખર આપને દુઃખ અપ્રિય થઈ પડ્યું હોય અને પાપનો ડર લાગતો હોય, તો બૌદ્ધ ધર્મના સંઘના ચરણનો આશ્રય લો અને તેના ઉત્તમ ઉપદેશ પ્રમાણે સદાચારયુક્ત જીવન ગાળો, એટલે તમારૂં જીવન સફળ થશે.”

પુત્રીના ઉપદેશથી માતાપિતાએ બૌદ્ધધર્મના સંઘનું શરણ લીધું, સદાચરણ અને ધર્મચિંત્વનાથી તેમનાં પાતકનું નિવારણ થયું અને તેઓ શ્રોત્રિયસ્નાતક થયા.

રોહિણી પણ માતપિતાને ઉપદેશ આપ્યા પછી થેરી થઈ અને પોતાના જ્ઞાન અને કર્મના પ્રતાપે અર્હંત્‌પદને પામી ગઈ.