પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७८–सुंदरी

નારસ નગરમાં, સુજાત નામના એક બ્રાહ્મણના ઘરમાં તેનો જન્મ થયો હતો. તેના અપ્રતિમ સૌંદર્યને લીધે લોકો તેને સુંદરી કહેતા હતા. સુંદરી મોટી થઈ ત્યારે નાના ભાઈનું મૃત્યુ નીપજ્યું. એના પિતાને એથી ઘણો ઊંંડો ઘા લાગ્યો અને એ શોકવિહ્‌વળ ચિત્તે ચારે તરફ ફરવા લાગ્યો. એવામાં એક દિવસ થેરી વાશિષ્ઠીનાં તેને દર્શન થયાં. સુજાતે એમને પૂછ્યું કે, “મેં સાંભળ્યું છે કે આપનાં તો ઘણાં સંતાન મરણ પામ્યાં હતાં અને તમે રાત્રિદિવસ રુદન કરતાં હતાં, પરંતુ હવે તમે એ બધા ઊંંડા શોક–પરિતાપને સમાવીને શાંત થઇને બેઠાં છો, તેનું શું કારણ ?”

વાશિષ્ઠીએ ઉત્તર આપ્યો “હા, એકબે નહિ, પાંચસાત નહિ, પણ સેંકડો પુત્રો અને સંબંધીઓ તેં અને મેં આગલા જન્મોમાં ખોયાં છે; પરંતુ હે બ્રાહ્મણ ! જન્મ અને મરણને કેવી રીતે ટાળી શકાય એ હું શીખી છું, તેથી શોક અને દુઃખને લીધી હું હવે ડરતી નથી.” સુજાતે પૂછ્યું: “દેવિ ! તમારી વાત સાચી છે. તમને એ જ્ઞાન ક્યાંથી મળ્યું ? કોના ધર્મોપદેશથી તમે આવી સુંદર આશ્વાસનભરી વાણી બોલી રહ્યાં છો ?”

વાશિષ્ઠીએ કહ્યું: “બ્રાહ્મણ ! મેં એ સર્વ જ્ઞાન બુદ્ધ ભગવાન પાસેથી મેળવ્યું છે. હાલમાં પોતે મિથિલા નગરમાં બિરાજે છે અને લોકોને ધર્મદીક્ષા દઈને તેમનાં દુઃખોનું નિવારણ કરે છે. એ ભગવાનના મુખેથી ‘નિરુપધિ’❋[૧] ધર્મનું રહસ્ય સાંભળ્યા પછી મને ધર્મનું યથાર્થ જ્ઞાન ઊપજ્યું અને માતા તરીકેનો મારો શોક વિસારે પડ્યો.”


  1. ❋‘નિરુપધિ’ ધર્મ અહીં નિષ્કામ ધર્મના અર્થમાં વપરાયો છે. પુનર્જન્મનો ફેરો ટળે એવા ઉપાયો જેમાં હોય તેને પણ ‘નિરુપધિ' ધર્મ કહે છે.