પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८१–शुभा जीवकंबवनिका

એક ઘણા પ્રસિદ્ધ બ્રાહ્મણની કન્યા હતી. રાજગૃહ નગરમાં તેનો જન્મ થયો હતો. એનો દેહ, ઘણો ઘાટદાર અને સુંદર હતો. બુદ્ધદેવ રાજગૃહમાં બિરાજતા હતા એ વખતે એણે એમની પાસે દીક્ષા લીધી હતી અને સંસારનો ત્યાગ કર્યા વગર ઘરમાંજ ધર્મસાધના કરતી હતી, પાછળથી ઇંદ્રિયોના સુખો પ્રત્યે અરુચિ ઉત્પન્ન થતાં અને વૈરાગ્યથી વળતી શાંતિનું ભાન થતાં એ મહાપ્રજાપતિ ગૌતમીના સ્થાપેલા ભક્ષુણીસંઘમાં દાખલ થઈ.

બિંબિસાર રાજના વૈદ જીવકે રાજગૃહ નગરમાં એક સુંદર બગીચો બનાવ્યો હતા. એ ઉદ્યાનમાં પુષ્કળ આંબાનાં વૃક્ષ હોવાથી એ આમ્રકાનન નામથી પ્રસિદ્ધ હતું. સાધુમનુષ્યોને ધર્મસાધના કરવાને એ એકાંત મનોહારી સ્થળ ઘણું અનુકૂળ હતું. શુભા એક દિવસ ત્યાં જઈ રહી હતી, તે વખતે એક સુંદર, સ્વચ્છંદી, ધૂર્ત યુવક તેને મળ્યો અને શુભાના સુંદર રૂપથી લલચાઈને તેનો માર્ગ રોકીને ઊભો. શુભાએ તેને કહ્યું: “ભાઈ ! મેં તારો શો અપરાધ કર્યો છે ? શા માટે મારો માર્ગ રોકે છે ? પ્રવ્રજિતા સ્ત્રી સાથે આવું અધમ આચરણ શા સારૂ કરે છે ? હે મિત્ર ! કોઈ પણ પુરુષે એવું કરવું ઘટતું નથી. મેં મારા પવિત્ર ગુરુજી પાસેથી એવું શિક્ષણ મેળવ્યું છે. એજ પવિત્ર બ્રહ્મચર્યવ્રતમાં અમે ભિક્ષુણીસંઘની પરિવ્રાજિકાઓ ટેવાયલી છીએ. શા માટે તું મારો માર્ગ રોકીને ઉભો છે ? હું શુદ્ધ છું, તારૂં મન મેલું છે. હું વાસનાથી મુક્ત છું, તારા હૃદયમાં અધમ વાસનાઓ ભરેલી છે. હું પાપભોગશૂન્ય છું, તો પછી તું મને હેરાન કરવા સારૂ શા માટે ઉભો છે ?”

એ યુવક પોતાની વાસના તૃપ્ત કરવા સારૂ તેનું મન પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ ઉદ્દેશથી તેણે