પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
સંઘમિત્રા



બન્ને ભાઈબહેનની માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ સારૂ તેમને સારી કેળવણી આપવાનો પૂરતો બંદોબસ્ત કર્યો.

અહીંયાં જગવિખ્યાત રાજા અશોકના જીવનચરિત્રને લગતી બેએક વાત જણાવવી જરૂરની છે. અશોક ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારને છોકરો હતો. રાજપુત્ર હોવા છતાં એનો ચહેરે કદ્રૂપો હતો, એટલા સારૂ રાજા બિંદુસાર એને બહુ ચાહતા નહિ. એમ જણાય છે કે પિતા અને સાવકી માની અવગણના અને તિરસ્કારને લીધે ધાર્મિક અશોક પણ યૌવનમાં અતિશય સ્વાર્થી અને અધાર્મિક નીવડ્યો હતો. તેની રક્તપિપાસા અને ક્રૂરતાને લીધે એ ચંડાશોક અર્થાત્ યમદૂત નામથી ઓળખાતો હતો. દંતકથા એવી છે કે, યમરાજ્યનું અનુકરણ કરીને એણે એક નરકપુરી બંધાવી હતી. અપરાધીઓને એ ભયંકર પુરીમાં કેદ રાખીને મારવામાં તથા પીડવામાં આવતા અને અનેક તરેહનાં દુઃખ દઈને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવતાં. આવું હોવા છતાં પણ એજ અશોકમાં અસાધારણ શક્તિ અને નાના પ્રકારના સદ્‌ગુણ પણ જણાતા હતા. રાજા બિંદુસારે પુત્રને પોતાનાથી દૂર રાખવા સારૂ તેને ઉજ્જયિનીનો સૂબો નીમ્યો હતો. ત્યાં આગળજ દેવી નામની એક તરુણી રમણીની મનમોહક મૂર્તિનાં દર્શન કરીને એ તેના તરફ આકર્ષાયો અને તેની સાથે પરણ્યો. ત્યાર પછી પિતા બિંદુસારનું મૃત્યુ થયું, એટલે ભાઈના લોહીથી હાથ ખરડીને અશોક પિતાના રાજ્યસિંહાસન ઉપર બેઠો. અશોકનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ૦ ૨૬૯ માં થયો.

મહારાજા બન્યા પછી અશોકે કલિંગા દેશના રાજા સાથે ઈ. સ. પૂ. ૨૬૧ માં એક ભીષણ યુદ્ધ કરીને કલિંગ દેશ અથવા ઓડિસ્સાને પોતાના તાબામાં લીધો. એ યુદ્ધમાં લાખ નરહત્યા થઈ હતી. એ ભયંકર હત્યાકાંડનું સ્મરણ થતાંજ અશોકનું પથ્થરનું હૈયું પણ પીગળી ગયું અને એના હૃદયમાં વૈરાગ્યનો ઉદય થયો. પુણ્યકર્મોનો ઉદય થતાં પાપીઓની પાપવાસનાનો એમજ એકદમ ક્ષય થઈ જાય છે અને એમનું પાપી જીવન એક નવોજ સારો પલટો ખાય છે. એ સમયથી અશોકે પારકું રાજ્ય જીતી લેવાની ઈચ્છા બિલકુલ છોડી દીધી. ત્યાર પછીથી અશોકના જીવનમાં આધ્યાત્મિક શક્તિની ગૂઢ ક્રિયા શરૂ થઈ. એક મહાપ્રતાપી, શક્તિશાળી બૌદ્ધ સંન્યાસીએ અશોકના હૃદય પર કાબૂ