પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એ રાજા એક વખત ચંદ્રકુલ્યા નામની નદીનો પ્રવાહ બીજી દિશામાં વાળવામાં રોકાયો હતો, પરંતુ માર્ગમાં એક મોટી શિલા પડી હતી તે અડચણ રૂપ થઈ પડી, રાજાને લાગ્યું કે મારા પાપને લીધેજ આ વિઘ્ન ઉપસ્થિત થયું છે. એણે વ્રત ઉપવાસ આ૨ંભ્યાં અને દેવતાઓને પ્રસન્ન કરવા એક મોટો યજ્ઞ રચ્યો. દેવતાએ સ્વપ્નમાં દર્શન દઈને તેને કહ્યું: “હે રાજન્ ! આ શિલા ઉપર બળવાન બ્રહ્મચારી યક્ષ વાસ કરે છે, માટે જ્યાંલગી કોઈ પતિવ્રતા સ્ત્રી પોતાના હાથનો સ્પર્શ નહિ કરે ત્યાં લગી એ પથ્થર હઠવાનો નથી. તે સિવાય તો ભલભલા દેવતામાં પણ એ પથ્થરને ખસેડવાનું સામર્થ્ય નથી.”

સવાર થતાંજ રાજાએ ઢંઢેરો પિટાવીને પતિવ્રતા સ્ત્રીઓને એ શિલા આગળ આવવાનું આમંત્રણ કર્યું. હજારો સ્ત્રીઓ પોતાના પતિવ્રત્યનું અભિમાન ધરાવતી ત્યાં આવી અને શિલાને સ્પર્શ કર્યો, પણ કોઈનાથી પથ્થર ખસ્યો નહિ. એ ગામમાં ચંદ્રવતી નામની એક કુંભારણ પણ રહેતી હતી, એ પણ નદી આગળ આવી હતી. ઉચ્ચ કુળની હજાર નારીઓ નિષ્ફળ નીવડી ત્યારે એ કુંભારણે આગળ આવી વિનયપૂર્વક શિલાને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાં વાર ઝટ શિલા ખસવા લાગી. રાજા ઘણો પ્રસન્ન થયો. તેણે તથા હાજર રહેલાઓએ ચંદ્રવતીના પાતિવ્રત્યની મુક્ત કંઠે પ્રશંસા કરી. એમ પણ કહેવાય છે કે એ પ્રસંગથી રાજાને બીજી સ્ત્રીઓ ઉપર ઘણો ક્રોધ ઉપજ્યો અને તેણે તેમનો વધ કરાવ્યો. ગમે તે હો, ચંદ્રવતીએ શિયળના પ્રભાવથી કાશ્મીરના ઇતિહાસમાં પોતાનું નામ ઉજ્જ્વળ કર્યું છે.