પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९३–भामती

શ્રીમન્ શંકરાચાર્ય સ્વામીના ભાષ્ય ઉપર ટીકા કરનાર વિદ્વાન વાચસ્પતિ મિશ્રની પ્રિય પત્ની હતી. એ ઘણી વિદુષી, પતિવ્રતા, લજ્જાવતી, વિનયી, નમ્ર અને બુદ્ધિશાળી હતી. વાચસ્પતિ મહાશયની પેઠે એ પણ ધર્મપરાયણા હતી. પતિને શાસ્ત્રચર્ચામાં મદદ કરવી એને ભામતી પોતાનું મુખ્ય કર્તવ્ય ગણતી હતી.

વિદ્યાનુરાગી લેખકો અને કવિઓ પોતાના કામમાં એવા લીન થઈ જાય છે કે, એમને રાતદહાડાનું ભાન રહેતું નથી. આધુનિક સમયમાં પણ એવા એકાગ્ર ચિત્તવાળા લેખકો અને શેાધકોનાં દૃષ્ટાંતો આપણે પાશ્ચાત્ય દેશોમાં ઘણાં જોઈએ છીએ. વાચસ્પતિ પણ એવાજ એક વિદ્વાન હતા. ભાષ્ય ઉપર ટીકા કરવાના કામમાં એ બિલકુલ તલ્લીન થઈ જતા હતા. એટલે સુધી કે જ્યારે એમને ભોજનને માટે સંભારવામાં આવતું, ત્યારેજ એ ભોજન કરતા અને ભોજન કરી ચૂક્યા પછી પાછા એના એ કામમાં લીન થઈ જતા.

જે સમયે ભામતી પરણીને સાસરે આવી, તે સમયે પણ વાચસ્પતિ મિશ્રની આવીજ દશા હતી. એ વખતે એ શાંકરભાષ્ય ઉપર ટીકા રચી રહ્યા હતા. ભાષ્યના અર્થનો વિચાર કરવામાં, તેને બીજા ગ્રંથો સાથે સરખાવવામાં તથા ભાષ્યનો અર્થ સુસ્પષ્ટ કરીને લખી કાઢવામાં તેમનું એટલું બધું ધ્યાન રહેતું કે ઘરસંસારનું એમને કાંઈ પણ ભાન નહોતું. એ વખતે મિશ્રજી યુવાન હતા અને મિશ્રાણી ભામતી પણ યુવાવસ્થામાં પ્રવેશ કરી ચૂકી હતી; પરંતુ કામલાલસા એ કોઈ દિવસ તેમના ચિત્તને ટીકા રચવાના કાર્યમાંથી આકર્ષિત કર્યું નહોતું. બન્ને જણાં સાથે રહેતાં હતાં, શયનગૃહમાં બેસીને પણ વાચસ્પતિ મહારાજ ટીકા