પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
નકુલમાતા


કોઈ પણ પ્રકારે ઉપાધિ સિવાય મરણ આવવા દો.હે ગૃહપતિ ! તમારી પાછળ ‘હું બુદ્ધ ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહિ પાળું’ એવી તમને શંકા આવવાનો સંભવ છે; પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું પણ એક છું, એ તમે ખાતરીથી સમજજો. માટે કોઈ પણ પ્રકારની ફિકર વગર મરણ આવવા દો. હે ગૃહપતિ ! ‘મને સમાધિલાભ થયો નથી, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થઈશ,’ એમ તમે સમજશો નહિ. જે કોઈ બુદ્ધોપાસિકા સમાધિલાભવાળી હશે, તેમાંની હું એક છું એમ સમજજો અને માનસિક ઉપાધિ છોડી દો. હે ગૃહપતિ ! ‘બુદ્ધિધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી’ એવી પણ તમને કદાપિ શંકા આવશે; પરંતુ જે તત્ત્વજ્ઞ ઉપાસિકાઓ છે, તેમાંનીજ હું એક છું, એમ ચોક્કસ ધ્યાનમાં રાખો અને મનમાંની કાળજી કાઢી નાખો.’

આ પ્રમાણે નકુલમાતાના ઉપદેશથી તેના પતિ–નકુલપિતાના મનનું સમાધાન થયું અને તેનો વ્યાધિ વેળાસર શમ્યો. રોગમાંથી સારો થયા પછી તે બુદ્ધના દર્શન સારૂ ગયો, ત્યારે તેને બુદ્ધદેવે કહ્યું: “હે ગૃહપતિ ! તું મોટો પુણ્યશાળી છે. નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ ! ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારૂં મહાભાગ્ય છે.”

આ એક દૃષ્ટાંત ઉપરથી બુદ્ધ ભગવાન સ્ત્રીઓની યોગ્યતાની કેટલી કદર કરતા, એ સહજ સમજી શકાય છે. વળી બુદ્ધ ભગવાન જેવા મહાજ્ઞાની, તપસ્વી અને સિદ્ધ રાજર્ષિ જેને માટે આવા સારા શબ્દો ઉચ્ચારે તે સન્નારીમાં કેટલા બધા સદ્‌ગુણો હશે તેની પણ કલ્પના વાચક બહેને કરી શકશે. ❋ [૧]


  1. ❋‘જ્ઞાનસુધા’ પત્રમાં પ્રગટ થયેલા ‘બુદ્ધધર્મ અને સંઘ’ નામના લેખમાંથી સાભાર ઉદ્ધૃત.