પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:કુરબાનીની કથાઓ

૧૨



'એક માષા સુવર્ણ.'

'હું દશ માષા દઉં.'

રાજાજીને માથું નમાવીને પેલો પુરૂષ બેાલ્યો : “સુદાસ, મારા વીશ માષા.”

રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો : 'મહારાજ ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધનાં દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે. આ પુષ્પને માટે આજ આંહીં આપણે રાજાપ્રજા રૂપે નથી ઊભા, બે ભક્તો રૂપે ઊભા છીએ. રોષ કરશે મા, હે સ્વામી ! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.'

હસીને રાજાજી બોલ્યા : 'ભક્તજન! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, તો મારા ચાળીશ.'

'તો મારા.…....'

એટલું બોલવા જાય ત્યાં તે સુદાસ બેલી ઊઠ્યો : 'માફ કરજો મહારાજ ! માફ કરજો સજ્જન ! મારે આ ફૂલ વેચવું જ નથી.' એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા.

સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઊભો ઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરૂષ પોતે કેટલા ધનવાન હશે ! કેટલા દિલાવર હશે ! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે !