પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

ફૂલનું મૂલ :પદ્માસન વાળીને વડલાને છાંયે બુદ્ધ બેઠેલા છે, ઉજ્જવલ લલાટ : મેાં પર આનંદ : હોઠમાંથી સુધા ઝરે છે: આાંખ માંથી અમી ટપકે છે : જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ, તેવી જ એ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે.

સુદાસ સ્તબ્ધ બનીને ઊભો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્યો છે પેલા સાધુ સામે.

ભેાંય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું. વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું, વાયુની એક લહરી વાઇ, કમળની પાંદડીઓ ફરીફરીને હસવા લાગી. સુદાસને શકુન ફળ્યાં.

હસીને બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યો : “હે વત્સ! કાંઈ કહેવું છે ? કાંઈ જોઈએ છે ?'

ગદ્‍ગદ્‍ સ્વરે માળી બોલ્યો : 'બીજું કંઈયે નહિ, તમારી ચરણરજની માત્ર એક જ કણી.'