પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૨૬


એ ગુલાલભરી અંગરખી, હાથમાં એનો એ મંગળમીંઢોળ : ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતા રહ્યા, પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો અને શરણાઇના સૂરો શરણાઇના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે કયારે પૂરી થવાની હશે ?

કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાં રડતાં કહ્યું : 'અભાગણી દીકરી ! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસ્વાર હવે કયાંથી પાછો આવે ?'

કુમારી કહે : 'પાનેતર ઉતારવાનું કહેશો નહિ માડી ! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા ! રજપૂત પાછા આવ્યા વિના રહેશે નહિ, અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.'

પુરોહિતે આવીને આશિર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહે- રીને દાસદાસીઓ નીકળ્યાં.

માતા બચ્ચી ભરીને કહે છે કે : 'બેટા ! આવજે હો !'

એની આંખમાં આંસુ સમાયાં નહિ.

બાપુ માથે હાથ મેલીને બોલ્યા : 'દીકરી ! આવજે હો !' એણે મોં ફેરવી લીધું.