પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રભુની ભેટ

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.

કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં.

કેાઈ આવીને કહેશે 'બાબા, એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!'

કેાઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે 'મહારાજ ! પાયે પડું; એક દીકરો અવતરે એવું વરદાન દોને !'

કોઈ વૈશ્નવજન આવીને આજીજી કરશે કે 'ભકતરાજ, પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને !'

કોઈ નાસ્તિક આવીને ધણધણાવશે કે 'એ ભકતશિરોમણિ ! દુનિયાને ઠગો નહિ પ્રભુ પ્રભુ કૂટી મારો છો, તે એકવાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે !'

સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ બેાલતા કે 'રામ ! રામ ! રામ !'