પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તુચ્છ ભેટ

યમુનાનાં પાણી ઘુમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજ્યા કરે છે.

નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા વીંખતા આસમાની પહાડો એક પછી એક આઘે–કેટલે ય આઘે ચાલ્યા જાય છે. શિખર બધાં અચળ ઊભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે અને નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઊભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડ ઊભાં છે : કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બેલાવતા હોય! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા.

એક દિવસ ગુરૂજી પ્રભુલીલા વાંચી રહ્યા છે. તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા : 'હે પ્રભુ ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.'

હાથ લંબાવીને ગુરૂજીએ રાજાના મસ્તક પર મેલ્યો, આશીષો આપી, કુશળખબર પૂછયા. હિરાજડિત બે સોનાનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં.