પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૮૪ )


ને નીચે લીલેરું આ ક્ષેત્ર ટેકરી તે પારે રે,
દેવાલય ઊભું ભવ્ય ટોચે તે ઠારે રે, ૧૪

રવિકિરણે ચુમ્બિત ત્‍હેનાં શિખર વિરાજે રે;
ત્‍હેની ઉપર ઈન્દ્રધનુ રમ્ય રચ્યું રવિરાજે રેઃ ૧૫

[સાખી]

ઇન્દ્રધનુ આલેખિયું ગગનપટે રવિરાય,
મેઘાસુરસંહારનું એ વિજયતોરણ શું જણાય! ૧૬

[મૂળની ચાલ]

આમ વિજયી જો રવિરાય દ્યૌદેવી સંગે રે,
રંગે રમતો મલકાય પડ્યો તે ઉછંગે રે ! ૧૭

હેવા વિજયલગ્નનાં ગીત ચૉગમ ગાજ્યાં રે,
મીઠાં પંખીડાં હર્ષનાદ કરીને નાચ્યાં રે, ૧૮

અને મધુર મધુકરવૃન્દ સ્થળ સ્થળ ગુંજે રે,
વૃક્ષવેલી કુસુમઉપહાર અર્પે કુંજે રે; ૧૯

લીલી ભૂમિ વર્ષાબિન્દુ તૃણતૃણ ધારી રે,
અર્પે ભરીને મરકતથાળ મોતીડાં ભારી રે. ૨૦

[સાખી]

એમ વિજય વ્યાપી રહ્યો જગ રેલ્યો ઉછરંગ,
હેવા વિજયી લગ્નનો મુજ હઇડે લાગ્યો રંગ; ૨૧

રંગાઈ હઈડું મ્હારું કરે ગુંજારો રે,
હું એ અર્પું પ્રેમે કાવ્યકુસુમ-ઉપહારો રે. ૨૨