પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૬ )

તરુશાખાનાં વૃન્દ લઈ આલિઙ્ગી ચૂમે,
પવનરાય વનમાંહ્ય ધીર સ્વચ્છન્દે ઘૂમે; ૪

કરતો કાંઈ ઘુઘાટ દૂર સાગરના સરખો,
કે જળધોધ સુદૂર તેતણો શું નિરખ્યો!
આ ઝરમર રવ ઝીણો, સમીરણનાદ મહાનો,
તે સહુ ભેદી તીનો આવતો રવ તમરાંનો. ૫

ને જો પેલું જુગલ કપોતનું વૃક્ષ લપાઈ,
પ્રેમતણા આલાપ મધૂરા કરતું કાંઈ!
વૃષ્ટિવિપદ આ સહે સૃષ્ટિ કંઈ હાસ કરંતી,
કંઇ વળી ભાવ ગભીર હ્રદય નિજ શાન્ત ધરંતી; ૬

તરુવર વર્ષાઘાત અડગ આ કે'વાં ખમતાં!
તજે ન નિજ ગુરુભાવ, યદ્યપિ કંઈ નમતાં!
ને વનભૂમિ રસીલી હશી શી અહિકા ઉલાસ,
નિજ અન્તરની અધિક મધુરતા કે'વી પ્રકાસે! ૭

આ જીવનમાં કદી સ્મિતો સંપદનાં ફેડી
વિપદવાદળાં ઘોર લઈ લે મુજને ઘેરી,
તે ક્ષણ નિજ ગમ્ભીર-ભાવ કદી નવ હું ત્યાગું,
સ્મિતમય રાખું વદન એટલું બળ હું માંગું. ૮