પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૦ )


જે આપણે મન વશી; પ્રિય! કૉણ, કહે તે?
મીઠી સખી તુજ, અને મુજ બ્હેની છે તે;
હા! તેથી ને તુજથી આ ક્ષણ દૂર હું છું!
શું આપણે ત્રણ ફરી મળીશું, હું પૂછું? ૭

થાશે સખી દિવસ અલ્પ વિશે પરાઈ,
પામી રૂડો વર અને સુખ સર્વ લાહી,
જાશે ભૂલી પછી ત્હને મુજને સખી તે,
કે રાખશે સ્મરણ આપણું કાંઈ ચિત્તે? ૮

ના, ના, ભૂલે શું? અપરાધી બનું હું કે'વો
પ્રેમી સખી તુજ વિશે કરી તર્ક હેવો?
તો એ ફરી મળવું દુર્લભ હેનું માનું,
ને ખેદ પામું તદ્યપિ સુખ થાય છાનું;- ૯

છૂટાં અહિં પ્રિયજનો રહીશું વશેલાં,
ને દોહલા ફરી સમાગમ તો રસીલા;
તેથી જ નિશ્ચય કર્યો દૃઢ ચિત્તે આ મ્હેં -
વ્હાલાં ફરી સહુ મળીશું અનન્ત ધામે! ૧૦

ત્ય્હાં તો ફરી નવ કદી જ વિયોગ સ્હેવા,
નિત્યે નવાં સુખતણા સહુ સ્વાદ લેવા;
આનન્દકેરી નદી ત્ય્હાં ન કદી વિરામે,
વ્હાલાં તહિં કરીશું સ્નાન અનન્ત ધામે! ૧૧