પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
ભાગ્યોદયનો આરંભ

મોટા મોટા સિંહોને મેં મારી મુષ્ટિકાથી જ મારી નાખેલા હોવાથી અને કેટલાક બલિષ્ઠ બારવટિયાને પણ મલ્લયુદ્ધમાં હરાવીને રામશરણ કરેલા હોવાથી લોકો મને જાલિમસિંહના નામથી ઓળખવા લાગ્યા છે અને તેથી અત્યારે હું એ નામથી જ વિખ્યાત છું.” જાલિમસિંહે પોતાના નામની કથાનો વિસ્તાર કરી સંભળાવ્યો.

“વીર પુરુષ જાલિમસિંહજી, આપ વયોવૃદ્ધ હોવાથી અમારા વડિલ સમાન છો અને વડિલના આગ્રહને માન આપવું એ અમારો ધર્મ હોવાથી અમો આપના આદરાતિથ્યને સ્વીકારવામાટે આપને ઘેર આવવાને તૈયાર છીએ.” ખેંગારજીએ તેના આગ્રહનો સ્વીકાર કરી લીધો.

જાલિમસિંહ ખેંગારજી તથા સાયબજીને લઈને આગળ ચાલ્યો અને ખેંગારજીનો સાથી અશ્વ તથા ઊંટને લગામવડે દોરીને પાછળ પાછળ ચાલવા લાગ્યો. ગ્રામ નિકટમાં હોવાથી અલ્પ સમયમાં જ તેઓ ઇચ્છિત સ્થાનમાં આવી પહોંચ્યા. જાલિમસિંહે પોતાના ઘરની ડેલીમાં જ કુમારોને ઊતારો આપીને ઢોલિયો ઢળાવ્યો, ગાદલાં પથરાવ્યાં અને ઓછાડાવ્યાં, ઓસિકાં તથા ગાલમસૂરિયાં રખાવ્યાં અને બન્ને કુમારોને ઢોલિયાપર બેસાડીને પાણી પાયા પછી વાણંદને બોલાવ્યો કે જે આવીને ખેંગારજીના પગ ચાંપવા લાગ્યો. થોડી વારમાં જ જાલિમસિંહના કેટલાક ભાયાતો પણ ત્યાં આવીને બેઠા અને સભા ભરીને નાના પ્રકારની વાર્ત્તાઓ કરવા લાગ્યા. રાત્રિનું આગમન થતાં જ અંધકારના પ્રતિકારમાટે દીપકોને પ્રકટાવવામાં આવ્યા અને ત્યાર પછી અલ્પ સમયમાં જ નિશાભોજનની વેળા થવાથી અંતઃપુરમાંથી ભોજન તૈયાર હોવાની સૂચના મળી ગઈ. સર્વ જનો જમવામાટે ઊઠ્યા. ઓસરીમાં ગોદડાં પાથરીને આગળ પાટલા મૂકવામાં આવ્યા તેમજ પાણીના કળશિયા તથા ફૂલવાટકા ભરીને રાખવામાં આવ્યા. એ સર્વ પૂર્વ તૈયારી થઈ રહ્યા પછી દાસીઓ ભોજનના થાળ પીરસીને લઈ આવી અને તે સાથે જ નિશાભોજનને ન્યાય આપવાના કાર્યનો શુભ આરંભ થઈ ગયો.

જમતાં જમતાં એક અલૌકિક ચમત્કાર થયો અને તે ચમત્કારે ખેંગારજીના ચિત્તને ચકડોળે ચઢાવી દીધું. ચમત્કારમયી ઘટના એ હતી કે જે ઓસરીમાં જાલિમસિંહ, ખેંગારજી તથા સાયબજી જમવા બેઠા હતા, તે ઓસરીમાં પડતા રસોડાના દરવાજાની આડમાં પીરસનારી દાસીને જોઈતા ખાદ્ય પદાર્થો અંદરથી આપવામાટે એક પરમલાવણ્યવતી નવયૌવના બાળા ઊભી હતી તેના પર અચાનક ખેંગારજીની દૃષ્ટિ પડી; કારણ કે, ખેંગારજીનું આસન તે દરવાજાની