પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
કચ્છનો કાર્તિકેય

પાટનગર ભણી જવાને નીકળ્યા છીએ અને અચાનક આ ગામમાં આવી ચડ્યા છીએ. મુરબ્બી જાલિમસિંહજીએ ઓળખાણ ન હોવા છતાં પણ અમારો જે આવો સારો આદરસત્કાર કર્યો છે તેમાટે અમો એમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.”

ખેંગારજીએ બોલવાનો આરંભ કર્યો તે ક્ષણેજ ગઢવીએ તેને ઓળખી લીધો હતો અને તેથી તે આનંદથી ઉભરાઈ જતા અંતઃકરણવડે કહેવા લાગ્યો કેઃ “અન્નદાતા, હવે વધારે વાર પોતાને ગુપ્ત તથા અજ્ઞાત રાખવાની આવશ્યકતા નથી. કચ્છ દેશના ભાવિ ભૂપાલ ખેંગારજી સાહેબ, મેં આપને બરાબર ઓળખી લીધા છે. મેં આપનું લૂણ ખાધું છે અને આપને જ ન ઓળખું, એ બની શકે ખરું કે ? આપની સાથે જે બીજા કુમાર છે, તે આપના કનિષ્ઠ બંધુ સાયબજી જ હોવા જોઈએ. ઊઠો, આપણે મળીએ.”

ખેંગારજી ઊઠ્યો અને ગઢવીને ભેટ્યો, ત્યાર પછી સાયબજી ભેટ્યો અને પછી જાલિમસિંહ આદિ અન્ય જનોને પણ તેઓ ભેટ્યા, ભેટવાના એ વિધિની સમાપ્તિ કરીને પુનઃ ઢોલિયાપર બેઠા પછી ખેંગારજી જાલિમસિંહ આદિ ત્યાં એકત્ર થયેલા પુરુષોને ઉદ્દેશીને ગંભીરતાથી કહેવા લાગ્યો કે: “તમોએ જ્યારે અમને ઓળખી જ લીધા છે, તો હવે અસત્ય ભાષણ કરીને પોતાને છુપાવવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. હવે અમે તમારા શરણાગત છીએ એમ માનીને અમારાં નામ ઠામ કૃપા કરીને કોઈને પણ બતાવશો નહિ; કારણ કે, અમને પકડવામાટે જામ રાવળના ઘોડેસવાર સિપાહીઓ ચારે તરફ ફર્યા કરે છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. અમારી પાસે ખર્ચ ખૂટવાથી ધ્રાંગધરાના એક વ્યાપારી પાસેથી થોડા પૈસા લઇને અમો છચ્છરને જામિન તરીકે ત્યાં રાખી આવ્યા છીએ એટલે જ્યારે તે રકમ પાછી મોકલીશું, ત્યારે જ છચ્છર પાછો અમારી પાસે આવી શકશે. અમારી વિપત્તિનો વૃત્તાન્ત આ પ્રમાણે છે.”

ખેંગારજીનો આ વૃત્તાન્ત સાંભળીને જાલિમસિંહ નિર્ભયતાદર્શક સ્વરથી કહેવા લાગ્યો કેઃ “હવે આપે કોઈ પણ પ્રકારની ચિંતા રાખવી નહિ. જો જામ રાવળના દશ હજાર સૈનિકો આવે, તો પણ તેમને મારીને નસાડી દેવાને ઈશ્વરકૃપાથી અમો સમર્થ છીએ. આપને અમો નિર્વિઘ્ન અમદાવાદ પહોંચાડી દઈશું; પરંતુ મારો એવો અભિપ્રાય છે કે આપ એક બે દિવસ અહીં રોકાઈ જાઓ એટલે હું છચ્છરને અહીં લઈ આવવામાટેની વ્યવસ્થા કરું છું; અર્થાત્ તે આવે એટલે