પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
ભાગ્યોદયનો આરંભ

ઓળખીને જ બોલાયલું હોવું જોઈએ.’ આવી શંકા આવવા છતાં પણ એ વિશેની ચર્ચા કરવાનું તેને યોગ્ય ન લાગ્યું અને તેથી તે મૌન ધારીને જ બેસી રહ્યો. પરંતુ એ કવિત્તના આશયથી જાલિમસિંહ અજ્ઞ હોવાથી તેણે ગઢવીને પૂછ્યું કેઃ “ગઢવી મહાશય, આપના આ કવિત્તનો આશય શો છે વારુ ? શું કચ્છના જામ હમ્મીરજી ખરેખર જ દગાથી મરાયા છે અને તેમના કુમારો વિડંબનામાં આવી પડ્યા છે  ?”

એના ઉત્તરમાં વૃદ્ધ ગઢવી નિઃશ્વાસ નાખીને કહેવા લાગ્યો કેઃ "હું થોડા સમય પૂર્વે ફરતો ફરતો કચ્છ દેશમાં જઈ ચડ્યો હતો અને ત્યાં જામ હમ્મીરજીએ મારો યોગ્ય આદર સત્કાર કરીને મને સોનાનાં કડાં, સોનાનું કોટિયું, શાલ, એક બહુ જ મૂલ્યવાન્ ઘોડો, પોશાક અને એક હજાર કોરી રોકડી, એ પ્રમાણેનો સરપાવ આપ્યો હતો. અર્થાત્ જીવની એવી ઉદારતાવાળો બીજો કોઈ પણ રાજા અદ્યાપિ મારા જોવા કે સાંભળવામાં આવ્યો નથી. પરંતુ હજી તો હું કચ્છમાં જ હતો ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે જામ હમ્મીરજીને પોતાને ઘેર તેડી જઈને જામ રાવળે દગા અને વિશ્વાસઘાતથી તેમનો ઘાત કરાવ્યો હતો અને તેમનો કોઈ એક છચ્છરબૂટો નામક નોકર તેમના બે કુમારોને ત્યાંથી બચાવીને અમદાવાદ ભણી જવાને નાઠો હતો. એ દુઃખદાયક પ્રસંગને અનુસરીને મેં આ કવિત્તની રચના કરી હતી કે જે કવિત્ત અત્યારે મેં આપ સમક્ષ બોલી બતાવ્યું છે. હાય ! જેના આપણાપર અનંત ઉપકાર થયા હોય, તે ઉદારાત્માને તે કેમ ભૂલી જવાય !”

“ખરેખર કચ્છમાં ત્યારે તો આ એક અતિશય શોકકારક ઘટના જ થયલી છે.” જાલિમસિંહે ઉદ્‌ગાર કાઢ્યો.

“અસ્તુઃ પરમાત્માની જેવી ઈચ્છા !” એમ કહીને ગઢવીએ ખેંગારજીને ઉદ્દેશીને કહ્યું કે: “પણ મોંઘેરા મેહમાન, જરા આપની ઓળખાણ તો આપો. એક તો મારી અવસ્થા મોટી થઈ છે અને તેમાં વળી રાતે બરાબર દેખાતું નથી; નહિ તો હું તો મોઢું જોતાં જ ઓળખી કાઢું તેવો છું. મેં સાંભળ્યું છે કે આપ કોઈ ગરાશિયાના કુમાર છો અને ગરાશિયાના દીકરા મારાથી અજ્ઞાત હોય, એ બની શકે જ નહિ.”

હવે બોલ્યા વિના છૂટાય તેમ નથી એમ જાણીને ખેંગારજીએ કહ્યું કે “ગઢવીજી, અમો સિંધુ દેશના નિવાસી છીએ અને સમા વંશના ક્ષત્રિય છીએ. અમે કોઈ કારણથી અત્યારે ગુજરાતના