પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'૧૦૬'
કચ્છનો કાર્તિકેય

નથી. મારી તો એવી જ માન્યતા છે કે આપ મારા વડિલ બંધુને સમજાવીને બહેન નન્દકુમારીનો ખેંગારજી સાથે સંબંધ કરી નાખો અને મારી પુત્રી રાજમણીનું સગપણ હું સાયબજી સાથે કરી નાખું, તો આપણે કન્યાઓને ઠેકાણે પાડવાની ચિન્તાથી પણ મુક્ત થઈએ અને આપણી કન્યાઓનાં ભાગ્ય પણ ઊઘડી જાય તેમ છે. આપની પુત્રી તો ખેંગારજી સાથે પરણવાથી કચ્છ દેશની પટરાણી થશે અને તેના પ્રતાપે મારી પુત્રી પણ સુખમાં રહી શકશે. હું પ્રભાતમાં એ કુમારોના નોકર છચ્છરને અહીં લાવવા માટે ધ્રાંગધરે જવાનો છું, ત્યાંથી આવતી કાલે સાંઝે પાછો આવીશ અને પરમ દિવસે પ્રભાતમાં તો એ અહીંથી રવાના થઈ જશે; એટલે જો આ શુભ કાર્ય આવતી કાલે રાતે જ કરી નાખવામાં આવે, તો વધારે સારું; કારણ કે, આવા શુભતમ અવસરો કાંઈ વારંવાર પ્રાપ્ત થતા નથી અને તેથી આવા કાર્યમાં વિલંબ કરવાથી અનિષ્ટ પરિણામ જ ભોગવવું પડે છે. આજ સૂધી કચ્છમાં બહુધા વાઘેલા વંશની કન્યાઓ જ રાજ્ઞીપદે વિરાજતી હતી, પણ આ સંબંધ થવાથી ઝાલા વંશની કન્યાઓ કચ્છ દેશના રાજ્ઞીપદને ભોગવશે અને કચ્છમાં ઝાલી રાણીઓ થવાથી આપણા ઝાલાવંશની પ્રતિષ્ઠા વધશે. ઝાલાવંશની કન્યાના પુત્રો કચ્છ દેશના ભાવિ ભૂપાલ થાય, એ આપણા માટે અને આપણા વંશજોમાટે કાંઈ જેવા તેવા ગૌરવની વાર્ત્તા તો ન જ કહી શકાય !”

દીયરની આ વાર્તા ભાભીને ગળે ઊતરતાં જરા પણ વાર ન લાગી અને તેથી તેણે પોતાના દીયરને કહ્યું કે: “ભાઈજી, તમારે હવે આ વિષયની લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. હું તમારા મોટા ભાઈને બરાબર સમજાવી દઈશ અને આવતી કાલે સંધ્યાકાળે તમારા આવતાં સુધીમાં તો કદાચિત્ આપણી બન્ને બાળાઓનું વાગ્દાન થઈ પણ ગયું હશે. પરમાત્માએ આપણા સદ્‌ભાગ્યના યોગે જે આ અલભ્ય યોગ મેળવી આપ્યો છે, તેને જો આપણે વ્યર્થ જવા દઇએ, તો તો પછી આપણે મૂર્ખશિરોમણિ જ કહેવાઈએ !” ભાભીના મુખથી આ ઉત્તર સાંભળીને વૈરિસિંહ ત્યાંથી ચાલ્યા ગયો.

પાસેના ઓરડામાં બેઠેલી નન્દકુમારી તથા રાજમણી દીયર ભોજાઈવચ્ચેના એ સંભાષણને એકધ્યાનથી સાંભળ્યા કરતી હતી. રાજમણી અદ્યાપિ દ્વાદશવર્ષીયા બાલિકા હોવાથી અજ્ઞાતયૌવના હતી એટલે એ વાર્ત્તાના શ્રવણથી તેના હૃદયમાં આનંદવિકારના ઉદ્‌ભવનો સ્વાભાવિક જ ન્યૂન સંભવ હતો, પરંતુ નન્દકુમારી ષોડષવર્ષીયા જ્ઞાતયૌવના બાળા હોવાથી જેના પ્રતિ પ્રથમ દર્શને જ તેનું મન આકર્ષાયું હતું,