પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

જેના સમસ્ત રાજ્યમાં આવી સુવ્યવસ્થા તથા સમૃદ્ધિનો વિસ્તાર હોય, તેની રાજધાનીમાંની સુવ્યવસ્થા તથા સમૃદ્ધિ કેવી અને કેટલી હોવી જોઈએ એની સહજ કલ્પના કરી શકાય તેમ છે.

"સુલ્તાન બેગડાના સમયમાં અનાજની મોંઘવારી કદાપિ થઈ જ નહોતી અને તે એટલે સૂધી કે પ્રત્યેક વસ્તુ સોંઘી હતી. ત્યાર પછી ગુજરાતના લોકોએ એવી સોંઘવારી સ્વપ્નમાં પણ જોઈ નથી. કોઈ પણ દિવસ બેગડાના લશ્કરે ચંગીજખાન મુગલની પેઠે હાર ખાધી નહોતી અને તેથી સુલ્તાનને નવી નવી જીતો જ મળ્યા કરતી હતી. સુલ્તાનનો એવો સખ્ત હુકમ હતો કેઃ 'લશ્કરનાં માણસોએ કર્જ કરવું નહિ.' એ લશ્કરી માણસો માટે મેહસૂલનો અમુક ભાગ જૂદો રાખવામાં આવતો હતો અને તેમાંથી સિપાહીઓને અગત્ય પડે ત્યારે નાણું આપીને પાછું તે વસૂલ કરવામાં આવતું હતું. આ વ્યવસ્થાથી વ્યાજખોર લોકો મહાસંકટમાં આવી પડ્યા હતા અને લોકો તે વ્યાજખાઉઓને શ્વાન કરતાં પણ વધારે હલકા માનતા હતા. સુલ્તાન વારંવાર કહેતો કેઃ 'જો મુસલ્માન વ્યાજે રૂપિયા લે, તો તેમનાથી ધર્મયુદ્ધ કરી શકાય જ નહિ.' આ કારણથી પરમેશ્વર તેને નિરંતર વિજય અને વિજય જ આપ્યા કરતો હતો."

સુલ્તાન મહમૂદ બેગડાને સુશોભિત, વિશાળ અને સારી ઈમારતો બંધાવવાનો શૌક હોવાથી અમદાવાદના તે સમયના આગારો ગગન સાથે વાર્તાલાપ કરતા હતા અને કેટલાક ગાઉના અંતરપરથી પણ બેગડાના મહાલયના ગુંબજો સ્પષ્ટ દેખાતાં હતાં. સુલતાનને રાજી રાખવા માટે અમીર ઉમરા તથા મોટા મોટા વ્યાપારીઓએ પણ એવી હવેલીએ બંધાવી હતી કે જે બીજા કોઈ દેશનાં રાજમંદિરોની સ્પર્ધા કરવાને સમર્થ હતી. એ ઉપરાંત પોતાના રાજ્યમાં નાના પ્રકારનાં પુષ્પવૃક્ષ તથા ફળવૃક્ષોને વધારવાનો પણ સુલ્તાનને એટલો બધો શૌક હતો કે રૈયતનો કોઈ પણ મનુષ્ય પોતાની જમીનમાં વૃક્ષ વાવે, તો તેને તે યોગ્ય ઉત્તેજન આપતો હતો. એ વિશે એવું કહેવામાં આવે છે કે માર્ગમાં અથવા તો કોઈ ગરીબની ઝૂપડી આગળ કોઈ વૃક્ષ ઉછરેલું સુલ્તાનના જોવામાં આવતું, તો સુલ્તાન પોતાના અશ્વને ઊભો રાખી તે વૃક્ષના ઉછેરનારને પોતા પાસે બોલાવીને મેહરબાની બતાવતો અને પૂછતો કેઃ 'આ વૃક્ષને પાણી ક્યાંથી લાવીને તું પાય છે ?' જો તે ગરીબ માણસ એમ કહેતો કે: 'પાણી દૂરથી લાવું છું અને રસ્તામાં મુશ્કેલી છે', તો તરત જ સુલ્તાન તેને નજદીકમાં કુવો ખોદાવી આપતો હતો અને કહેતો હતો કેઃ "જો તું