પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

આ શુભ સંવાદ સાંભળીને ખેંગારજી તથા સાયબજીને પરમ સંતોષ થયો. થોડી વારમાં વાહનોને ચારીને જંગલમાંથી રણમલ્લનો ભત્રીજો પણ પાછા આવી લાગ્યો. અલૈયાજીના આગમનમાં કાંઈક વિલંબ થવાથી ખેંગારજીએ છચ્છરને જરા દૂર લઈ જઈને કાપાલિકના વધની ઘટના કહી સંભળાવી અને તે સાંભળીને છચ્છર વળી એક અન્ય પ્રકારના નિશ્ચયપર આવી ગયો.

−□−□−□−□−□−
પંચમ પરિચ્છેદ
બન્ધુમિલન અને ગુપ્ત ધનભંડાર

અલૈયાજી જ્યાં ખેંગારજી તથા સાયબજીએ ઉતારો કર્યો હતો, ત્યાં આવી પહોંચ્યો અને પોતાના બંધુઓને બાથ ભીડીને ભેટ્યો. ત્રણે બંધુઓને એ પ્રસંગે જે એક પ્રકારને અપૂર્વ હર્ષ થયો તે હર્ષના પરિણામે તેમનાં નેત્રોમાંથી અશ્રુબિન્દુઓ ટપકી પડ્યા; પરંતુ તેમના એ અશ્રુઓમાં જેમ હર્ષનો ભાવ સમાયલો હતો તેમ અમુક અંશે શોકનો ભાવ પણ સમાયલો હતો; કારણ કે, આ સંમેલન તેમના હર્ષનું કારણ હતું અને જામ હમ્મીરનું અકાળ મરણ તેમના શોકનું કારણું હતું, એ અહીં નવેસરથી કહેવાની આવશ્યકતા નથી. જામહમ્મીરના દુષ્ટ જામ રાવળના હસ્તથી થયેલા ઘાતના સમાચાર પ્રથમથી જ અલૈયાજીના જાણવામાં આવી ગયેલા હોવાથી એ સમાચાર નવીનતાથી સાંભળવાની કે જાણવાની તેને આવશ્યકતા નહોતી અને તેથી એ વિષયનું પિષ્ટપેષણ ન કરતાં ત્યાં નીરાંતે બેઠા પછી ખેંગારજીને ઉદ્દેશીને અલૈયાજીએ ગંભીરતાથી કહેવા માંડ્યું કે:–

"બંધુ ખેંગારજી, જ્યારથી આપણા પૂજ્ય પિતાશ્રીના પ્રપંચ તથા કપટથી થયેલા ઘાતના શોકકારક સમાચાર મારા અને આપણાં પૂજ્ય ભગિની કમાબાઈના સાંભળવામાં આવ્યા છે, ત્યારથી અમારાં હૃદય નિરંતર વ્યગ્ર રહ્યાં કરે છે. અમારા મનમાં વિશેષ વિચાર તો એ જ વિષયનો થયા કરતો હતો કે પિતાશ્રીનું તો જે કાંઈ થવાનું હતું તે થયું; પણ તે દુષ્ટાત્મા નરપિશાચ જામ રાવળ તમારી, સાયબજીની અને રાયબજીની પણ હત્યા કરી નાખશે, તો કચ્છનું રાજ્ય આપણા પિતાશ્રીના વંશમાંથી સદાને માટે ચાલ્યું જશે; કારણ કે આપણા પિતાશ્રી પછી કચ્છ રાજ્યના સિંહાસનના પ્રથમ ઉત્તરાધિકારી તમે છો, તમારા અભાવે સાયબજી છે અને સાયબજી ન હોય, તો રાયબાજી છે. પરંતુ પરમાત્માએ તમને શત્રુરુ૫ કાળના મુખમાંથી બચાવ્યા છે અને અત્યારે નિર્વિઘ્ન અમદાવાદમાં પહોંચાડી દીધા છે, એમાટે