પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

રહીને યુદ્ધ કરતાં આપના જેટલા સૈનિકો મૃત્યુના ભોગ થશે તેટલા સૈનિકોનાં કુટુમ્બોને આપ શ્રીમાન્‌ની આજ્ઞા અનુસાર વાર્ષિક વેતન અથવા વર્ષાસન આપતા રહીશું." ખેંગારજીએ માર્મિકતાથી પોતાની ઇચ્છાને શબ્દોદ્વારા વ્યકત કરી બતાવી.

"ત્યારે એમ જ કહોને કે તમને સૈન્ય તથા ધનની સહાયતાની જ અત્યારે આવશ્યકતા છે. તથાસ્તુઃ આવતી કાલના દરબારમાં મારે તમારું યોગ્ય ગૌરવ કરવાનું છે એટલે તે વેળાયે જ હું તમને એ આવશ્યકીય સાધનોની પણ સર્વ વ્યવસ્થા કરી આપીશ. જો કે નાણાં પાછાં વાળવાની આવશ્યકતા તો નથી, પણ તમારી તેવી જ ઇચ્છા હોય, તો પણ વ્યાજ સુદ્ધાં નાણાં પાછાં ન વાળશો; કારણ કે, મુસલ્માનોને દીન ઇસ્લામના ફર્માન પ્રમાણે સૂદ (વ્યાજ) હરામ છે. યુદ્ધમાં મરાયલા સૈનિકોના કુટુંબનિર્વાહમાટે જે કાંઇ પણ વ્યવસ્થા કરવાના હો તે ભલે કરજો; કારણ કે, આપણામાટે પ્રાણ આપનારા વીર સૈનિકોનાં કુટુંબોના કલ્યાણમાટે આપણે રાજાઓ જે કાંઈ પણ કરીએ તે આપણો ધર્મ છે અને જે રાજા, બાદશાહ અથવા સુલ્તાન પોતાના એ ધર્મના પાલનમાં ત્રુટી કરે છે, તે જરૂર પરવરદિગારનો ગુનાહગાર થાય છે !" સુલ્તાને સહાયતા આપવાનું વચન આપી દીધું.

"આ ઉપકાર માટે સુલ્તાન સલામતના અમો આજન્મ ઋણી રહીશું." ખેંગારજીએ કહ્યું.

"અને હું પણ આજના તમારા ઉપકારના ભારથી હમેશને માટે દબાયલો રહીશ !" સુલ્તાને પણ વિનય દર્શાવ્યો.

"આ આપણો પરસ્પર ધર્મ હોવાથી એમાં કોઈએ પણ ઉપકાર માનવાની કશી પણ આવશ્યક્તા નથી." કમાબાઈએ બરાબર ઈન્સાફ આપી દીધો અને તે સાથે એ વાર્તાલાપનો હાલ તરત અંત આવી ગયો. કમાબાઈએ ત્યાર પછી સુલ્તાનને સંબોધીને કહ્યું કે: "સરતાજ, ભોજન ક્યારનું ઠંડુ થાય છે અને બાંદી તે વિશે બે વાર આવીને સંકેતથી સૂચના આપી ગઈ છે; અર્થાત્‌ જો આજ્ઞા હોય, તો ભોજનની વ્યવસ્થા કરાવું."

"બેગમ આજે તો દસ્તરખાન અહીં જ બિછાવો અને આ સુલ્તાન બેગડો આહારમાં તમારા ભીમને પણ પાછળ હટાવે તેવો અકરાંતિયો છે કે નહિ, એ આ તમારા બન્ને ભાઈઓને જોવા દ્યો." સુલ્તાને ભોજન ત્યાં જ મંગાવવાની વિનોદથી આજ્ઞા આપી દીધી.

બાંદીઓ દ્વારમાં તૈયાર ઊભી હતી એટલે સુલ્તાનના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ તેમણે દસ્તરખાન લાવીને ત્યાં પાથરી દીધું