પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
કેટલાંક વિઘ્નો

અને તેથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય, તેનો એક ચતુર્થાંશ અબડાને આપી અલૈયાજીના વધના વૈરભાવને વિસારી મૂકવો.

ખેંગારજીએ તો અબડાને તેના ભયાનક અપરાધની ક્ષમા આપવામાં પોતાની ઉદારતાનો અલૌકિક પરિચય કરાવ્યો; પરંતુ હોથી નોંધણજી કે જે અબડા જામની માસીનો દીકરો ભાઈ થયો હતો તેના હૃદયમાં અબડાની તે વિશ્વાસઘાતકતા દિવસ અને રાત ખટક્યા કરતી હતી એટલે તેણે એક દિવસ અવસર સાધીને અબડાની હત્યા કરી નાખી. આ બનાવ બનવાથી સાપર અને સાપર પ્રગણાને ખાલ્સા કરીને ખેંગારજી સાપરના સિંહાસને આરૂઢ થયા અને એ પ્રસંગના સ્મરણને અવિચલ રાખવામાટે સાપરનું નામ બદલીને રાપર કરવામાં આવ્યું. આ રાજ્યાભિષેકના પ્રસંગે સેંસે સિંધલે ખેંગારજીના મસ્તકપર ઢાલનું છત્ર ધર્યું હતું અને મોકળસિંહ પખેજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું હતું. આવી રીતે કચ્છના એક ભાગમાં ખેંગારજીની રાજસત્તાનો આરંભ થઈ ચૂક્યો અને તે તેમની ભાવિસત્તાનું પૂર્વ ચિન્હ હતું, એમ કોઈ પણ કહી શકે તેમ છે.

સાપર મેળવતાં ઐલયાજીના પ્રાણનો ભોગ આપ્યો, એ વિઘ્ન કાંઇ જેવું તેવું નહોતું, પરંતુ રાજ્ય મેળવતાં મરણની ભીતિ તો આરંભમાં જ હોય છે, એ તત્વના વિચારથી હૃદયને શાંત કરીને ખેંગારજી તથા સાયબજી પોતાના વ્યવસાયમાં આગળ વધતા રહ્યા અને જામ રાવળને ત્રાસ આપવાનો તેમણે ભીષણતાથી આરંભ કરી દીધા.

કચ્છમાં તે વેળાયે જાગીરદારીની પદ્ધતિ અધિક પરિમાણમાં હોવાથી જૂદા જુદા ઘણા જાગીરદારો હતા અને તેઓ કચ્છના જામ સાહેબને અમુક ભોગ અથવા ખંડણી આપીને પોતપોતાની જાગીરનાં ગ્રામોમાં પોતાની સ્વતંત્ર સત્તા ચલાવતા હતા. એ જાગીરદારોમાંના કેટલાક જાગીરદાર જામ રાવળના પક્ષના હતા એટલે ખેંગારજીએ પ્રથમ જામ રાવળના પક્ષના તે જાગીરદારોની જાગીરોને તથા જામ રાવળની પોતાની ભૂમિને ધીમે ધીમે એક પછી એક અનુક્રમે આક્રમણ કરીને પોતાના અધિકારમાં લેવા માંડી. એમ કરવામાં તેનો એ ઉદ્દેશ હતો કે, જાગીરદારો પોતાના અને પોતાની જાગીરના બચાવના કાર્યમાં રોકાશે એટલે જામ રાવળને સૈન્યની સહાયતા તથા ધનની સહાયતા આપી શકશે નહિ અને તેથી જામ રાવળ યુદ્ધભૂમિમાં લડવા માટે ભાગ્યે જ આવી શકશે; અર્થાત્ ઘોર યુદ્ધ ન થવાથી અકારણ મનુષ્યહાનિ થતી અટકશે અને ઇષ્ટકાર્યની એટલે કે, કચ્છમાં પોતાની સત્તાના પાયાને દૃઢ કરવાના કાર્યની સિદ્ધિ