પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
કચ્છનો કાર્તિકેય

"મારી પણ એવી જ ઈચ્છા હતી કે આ કામ જેમ જલ્દી આટોપાઈ જાય, તેમ વધારે સારૂં; કારણ કે, મારે પાછું થોડા જ દિવસમાં સિંધુદેશમાં જઈ પહોંચવું છે." એવી રીતે ભૂધરશાહને પોતાનો મનોભાવ જણાવી સુલ્તાને પોતાની ફૌજના સિપાહસાલાર–સેનાપતિ–ને આજ્ઞા કરી કે: "આપણી ફૌજમાં સર્વને આનંદ ઉત્સવ કરવાનો અને ગામને પાદરે છાવણી નાખવાનો હુકમ કરી દ્યો. હું થોડાક સિપાહીઓ સાથે અત્યારે જ ત્યાં કૂચ કરી જાઉં છું."

"જેવું હુજૂરેવાલાનું ફરમાન!" સિપાહસાલારે એ શબ્દો ઉચ્ચારી ત્યાંથી છાવણીમાં આવીને આજ્ઞા પ્રમાણેની સર્વ વ્યવસ્થા કરી નાખી.

સુલ્તાન મહમ્મદ બેગડો પોતાના એક સો અશ્વારોહી સૈનિકો સાથે ભૂધરશાહ પ્રધાનના સંભાષણનો આસ્વાદ લેતો લાખિયાર વિયરા તરફ જવાને નીકળ્યો. "એક આર્યપુત્રી આવીને આજે મારા અંતઃપુરને ઓપાવશે !" એવા વિચારથી તેનો હર્ષ હૃદયમાં દાબ્યો દબાતો નહોતો. અસ્તુ.

હવે આપણે નગરમાં કેવીક ધામધૂમ ચાલે છે, તેનું કાંઈક અવલોકન કરીશું. ચાલો, ત્યારે પાઠક તથા પાઠિકાઓ, તમે પણ અમારી સાથે વિવાહસમારંભનું નિરીક્ષણ કરવા.

**** *

મહમ્મદ બેગડો લાખિયાર વિયરે આવ્યો અને ત્યાં તેનો ઘણોજ આદરસત્કાર કરવામાં આવ્યો. કોઠાર (મોદીખાનું)ને ખુલ્લો રાખીને સર્વને સીધાં આપવામાં આવ્યાં અને ઘોડા, હાથી તથા બીજાં વાહનોને ઘાસ દાણો આપવામાં આવ્યાં. સુલ્તાનને રમણીય ઉદ્યાનભવનમાં ઉતારો આપી ઘટિકાલગ્ન જોવડાવી રાજા અને પ્રધાને લગ્નની તૈયારી કરવા માંડી. નગરની નારીઓ રાજમહાલયમાં એકઠી થઈ અને પોતાના સુમધુર સુકોમલ કોકિલકંઠથી ગીતો ગાવા લાગી. પુરુષસમાજને કલાવતીઓ નૃત્ય અને સંગીતનો આસ્વાદ આપવા લાગી. નગરમાં પ્રત્યેક સ્થાને આનંદ મંગળનો પ્રસાર થઈ ગયો. લોકો આ વિચિત્ર લગ્ન વિષે પરસ્પર નાના પ્રકારની ચર્ચા ચલાવવા લાગ્યા. કોઈ હિન્દુએ કહ્યું કેઃ "રાજકુમારી તો અપ્સરા જેવી સ્વરૂપવતી છે અને વરરાજા તો દૈત્યરાજ જેવો છે." બીજાએ કહ્યું કે: "દાઢીવાળો વર જ્યારે તોરણે આવશે, ત્યારે કેવો શોભશે વારુ ?" ત્રીજો બોલ્યો કેઃ "કન્યા હિન્દવાણી અને વર મુસલ્માન, એમ તે કોઈ વાર થતું હશે કે ?" એના જવાબમાં ચોથાએ જણાવ્યું કે: "એ તે રાજાઓમાં એમ જ ચાલતું આવ્યું છે; અને આ કમાબાઈ તો વળી રાણીજાયાં પણ નથી,